Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગાંધીનગર જિલ્લામાં પોલીસે બાતમીના આધારે મોરાલી ખાતે દરોડા પાડી ચાર હજાર લીટર દારૂ ગાળવાનો વોશ જપ્ત કરી બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર:જિલ્લામાં પ્રોહીબીશનની બદીને નાબુદ કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમા વિવિધ પોલીસ સ્ટેશનોમાં દેશીદારૂનું વેચાણ કરતાં ૩૫ બુટલેગરો સામે ગુના નોંધીને મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે દહેગામ પોલીસે બહિયલના મોટી મોરાલી ખાતે દરોડો પાડીને દેશી દારૂ ગાળવાનો ચાર હજાર લીટર વોશ કબ્જે કરીને બુટલેગર સામે ગુનો નોંધ્યો છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. એટલુ જ નહીં ગામડાઓમાં તેમજ નદીના પટોમાં ખુણેખાંચરે દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં પ્રોહીબીશનની આ બદીને અટકાવવા માટે ગઈકાલથી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. એલસીબીની સાથે જિલ્લાના વિવિધ પોલીસ મથકોએ શરૂ કરેલી આ ઝુંબેશમાં વાવોલ, આદિવાડા, ફતેપુરા, ધોળાકુવા, નભોઈ, ભાટ, ગિયોડ, બહીયલ જેવા અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડીને ૩પથી વધુ કેસ કર્યા છે. દહેગામ પોલીસની ટીમે બહિયલના મોરાલી ગામે બાતમીના પગલે દરોડો પાડીને દશરથજી ગાંડાજી ચૌહાણને ત્યાંથી જમીનમાં દાટેલા પીપમાંથી ચાર હજાર લીટર દેશી દારૂ ગાળવાનો વોશ કબ્જે કર્યો હતો અને તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રોહીબીશનની આ ડ્રાઈવમાં પોલીસની ઝપટે  પુરુષોની સાથે મહિલા બુટલેગરો પણ આવી ગયા હતા જેમની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. નોંધવું રહેશેકે પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવનો આદેશ મળે ત્યારે જ તેમના વિસ્તારમાં ચાલતી દેશી દારૂની હાટડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બાકી ત્યાં સુધી જાણે કે સ્થાનિક પોલીસ આદેશની રાહ જોઈને બેઠી હોય તેમ બિન્દાસ્ત પણે આ દારૂનો વેપલો ચાલવા દે છે

(6:20 pm IST)