Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પોતાના શાસન હેઠળની ૩૩ નગરપાલિકાઓના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણુક કરતુ ભાજપ : રર ઉપર મહિલાની પસંદગી

ગાંધીનગરઃ ગુજરાત ભાજપે સોમવારે પોતાના શાસન હેઠળની 33 નગર પાલિકાઓના પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની નીમણૂક કરી દીધી. અમદાવાદ જિલ્લાની ત્રણ નગર પાલિકા સહિત બીજી ટર્મ માટે રાજ્યની નગર પાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને કેટલાક દંડકોના નામોની જાહેરાત કરાઇ છે. આ યાદીમાં 33 પ્રમુખોમાંથી 22 પર મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય શ્રી કમલમમાં ભાજપ સંસદીય સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં આ હોદ્દેદારોની પસંદગી અંગોની જાહેરાત કરાઇ હતી. નગરપાલિકા કે જેમાં ભાજપની બહુમતી નથી. ત્યાં પણ અન્ય ઉમેદવારોના ટેકાથી અથવા સંમતિથી ભાજપના પ્રમુખ તેમ જ અન્ય હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજકીય પક્ષો તરફથી દરેક ચુંટાયેલા સદસ્યને તક મળે તે માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી કોર્પોરેશન તેમ જ નગરપાલિકાઓમાં અઢી વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂંક કરવાનું શરૂ કર્યું છે. આ નગરપાલિકાઓમાં અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થઇ ગયો હોવાથી આ નગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવા માટે ભાજપ દ્રારા જે તે વિસ્તારની જિલ્લા સંકલન સમિતિ સાથે પરામર્શ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં 17 અને 18 ઓગસ્ટના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપ સંસદીય સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી, કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલા,સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની બીજી ટર્મ માટેની પસંદગી કરવાની પ્રક્રિયા જે તે વિસ્તારની જિલ્લા સંકલન સમિતિ સાથે પરામર્શ કરી હાથ ધરવામાં આવી હતી.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ દેવભૂમિ દ્વારકામાં દ્વારકા તથા ભાણવડ, ભાવનગરમાં શિહોર, ગારિયાધર, પંચમહાલમાં હાલોલ અને કાલોલ તેમ જ અમદાવાદ જિલ્લાની સાણંદ, બાવળા અને ધંધુકા નગરપાલિકા ઉપરાંત સાબરકાંઠામાં ઇડર, પ્રાંતિજ, રાજકોટમાં જસદણ અને જેતપુર તેમ જ અમરેલીમાં લાઠી અને ચાલાલા નગરપાલિકામાં બીજી ટર્મ માટે ભાજપના પ્રમુખ તેમ જ અન્ હોદ્દેદારોની નિયુક્તિ થઇ છે. આ સિવાયના 26 જિલ્લાઓમાં એક એક નગરપાલિકા હોવાથી ત્યાં પણ પોતાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરી છે. જયારે ત્રણ જિલ્લા આણંદની ઓડ, જૂનાગઢની વિસાવદર તથા માણાવદરમાં ભાજપની બહુમતી નથી પરંતુ બીજી ટર્મ માટે ભાજપના પ્રમુખ તેમ જ અન્ય હોદ્દેદારોની નિયુક્તિ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, લુણાવાડાની નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. તે હાંસલ કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ તેમાં સફળતા નહીં મળતાં તે કોંગ્રેસ પાસે જ રહી છે.

(12:31 am IST)