Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભારે વરસાદને પગલે સાબરમતીમાં ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્‍તારોને અેલર્ટ કરાયા : ધરોઇ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્‍યો

અમદાવાદ: રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને લઈ તમામ નદીઓ અને ડેમો ઓવરફલો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સાબરમતીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડતા નદી કાંઠેના તમામ વિસ્તારો તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જમાલપુર, એલિસબ્રિજ, પાલડી, વાડજ અને ગ્યાસપુર સહિતના નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમ હાલમાં ભયનજક સપાટીની નજીક છે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. હાલમાં ધરોઈએ એક એલર્ટ જાહેર કરી છે. જેના પગલે શહેરના જમાલપુર, એલિસબ્રિજ, પાલડી, વાડજ અને ગ્યાસપુર સહિતના નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમ હાલમાં ભયનજક સપાટીની નજીક છે. જો આ ડેમમાં પાણીનો આવરો સતત ચાલુ રહ્યો તો ડેમમાંથી પાણી છોડવાની નોબત આવશે. જે પાણી સાબરમતીમાં અમદાવાદમાં આવશે. જેને પગલે કલેક્ટરે એક તાકીદે એક એલર્ટ જાહેર કરી છે. જો ધરોઈમાં પાણી છોડાય એ સમયે જ અમદાવાદમાં વરસાદ પડે તો સ્થિતિ વધારે બગડે તેવી સંભાવના છે. ગુજરાતમાં હાલમાં વરસાદની આગાહી છે.

આકસ્મીક સંજોગોને પહોંચી વળવા આગોતરુ આયોજન કરવા જાણ કરી હતી. હાલ ધરોઇ ડેમનું લેવલ 185.90 મીટર છે. જ્યારે તેનું વોર્નીગ લેવેલ 187.06 મીટર સપાટી છે. ધોરોઇ ડેમનું લેવલ હાલ વોર્નીંગ લેવલથી માત્ર 1.8 મીટર દુર છે. જો ધરોઇ ડેમના દરવાજા ખલાયા તો 63,567 ક્યુસેક કે તેનાથી વધારે પાણી છોડવાની સંભાવનાના પગલે તકેદારી રાખવાના આદેશ આપ્યા છે. જો પાણી છોડાય તો સુભાષબ્રીજ ખાતે વોર્નીગ લેવલ 44.09 થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે.

(12:35 am IST)