Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ગુજરાતીઓએ ૪૦૦ કિલો સોનું અને ૨૫ મેટ્રિક ટન ચાંદીની ખરીદી કરી

સોનાના ઘરેણાંથી લઈ સિક્કાનું ધનતેરસે ધૂમ વેચાણ થયું:ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સોના-ચાંદીની સારી માગ જોવા મળી

અમદાવાદ,તા. ૨૪: કોરોના કાળ પછી આ વર્ષના દિવાળીના તહેવારોમાં લોકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસ પર લોકોએ દિલ ખોલીને ખરીદી કરી હતી કારણકે મુહૂર્ત દરમિયાન સોના અને ચાંદી બંનેની માગ ખૂબ વધારે રહી હતી. ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જવેલર્સ અસોસિએશન (IBJA)ના અંદાજ પ્રમાણે, ગુજરાતભરમાં આશરે ૪૦૦ કિલો ગોલ્‍ડ અને ૨૫ મેટ્રિક ટન ચાંદીનું ફક્‍ત એક દિવસ (શનિવારે)માં વેચાણ થયું હતું. શનિવારે અમદાવાદના માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૨,૬૦૦ રૂપિયા હતો જયારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ ૫૮,૩૦૦ રૂપિયા હતો.
ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જવેલર્સ અસોસિએશનના ગુજરાતના પ્રમુખ જિગર સોનીએ કહ્યું, ‘સોનાના દાગીનાની માગ નોંધપાત્ર રહી. આખા દિવસ દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો ખરીદી કરવા માટે આવ્‍યા હતા. લગ્નની જવેલરી તેમજ વજનમાં હલકી હોય તેવી જવેલરીનું ઉત્‍સાહજનક વેચાણ થયું હતું. રસપ્રદ વાત તો એ છે કે, સિક્કા અને લગડીનું પણ ખાસ્‍સું વેચાણ રહ્યું હતું.' ગોલ્‍ડ એક્‍સચેન્‍જ ટ્રેડેડ ફંડની માગ પણ વધુ રહી હતી. આ વર્ષે ચોમાસામાં ઉતરેલા પાકનું સારી કિંમતે વેચાણ થતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સોનાની નોંધપાત્ર માગ જોવા મળી હતી. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.
સોનાના ઘરેણાંથી લઈને સોનાના સિક્કા સુધી ગ્રાહકો ખરીદી કરતાં જોવા મળ્‍યા હતા. ધનતેરસ પર સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે ત્‍યારે લોકો આ પરંપરા જાળવતાં દેખાયા હતા. આ વર્ષે મોટી સંખ્‍યામાં લગ્નો છે તેમજ લણણી પછી સારી આવક થતાં પણ ખરીદી થઈ રહી છે, જે ચોમાસું સારું રહ્યું હોવાનું દર્શાવે છે. આ વખતની સીઝનલ માગ કોરોના કાળ પહેલા હતી એવી જ છે અને આ વાત કેટલાક જવેલર્સ પાસેથી મળેલી ફીડબેકને આધારે કહી શકાય.', તેમ વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના ભારતના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પી આરએ જણાવ્‍યું.
દુકાનોમાં ભીડ ના થઈ જાય તે માટે કેટલાક લોકો તો વહેલા આવી ગયા હતા અને સોનું ખરીદ્યું હતું, તેમ જવેલર્સનું કહેવું છે. ગ્રાહકોને આકર્ષવા માટે સોના અને ડાયમંડના દાગીનાના ઘડામણ પર પણ સારું ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવ્‍યું હતું. ચાંદીની માગમાં પણ વધારો જોવા મળ્‍યો હતો. ‘અગાઉ જે લોકોએ ચાંદીના સિક્કા અને લગડી ખરીદી હતી તેમણે પણ નફો કમાવવા આ વેચ્‍યા હતા. જોકે, એકંદરે માગ નોંધનીય રહી હતી. ચાંદીના વાસણો, સિક્કા અને જવેલરીની માગ વધારે રહી હતી. ચાંદીના ભાવ પ્રમાણમાં ઓછા હોય છે ત્‍યારે યંગ જનરેશન વિશિષ્ટ ડિઝાઈનની જવેલરી ખરીદવાનું પસંદ કરે છે', તેમ શહેરના એક જવેલરે જણાવ્‍યું.

 

(11:27 am IST)