Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

લોકોના ઉત્‍સાહ સામે મોંઘા ફટાકડા ફિક્કા પડયાઃમોડી રાત્રિ સુધી ખરીદીનો ધમધમાટ

ફટાકડાની કિંમતમાં ૩૦થી ૪૦ ટકા વધારા વચ્‍ચે ઘરાકી ખૂલતા વેપારીઓ ખુશ : બે વર્ષના મંદીના મારને સરભરની સાથે વેપારીઓને સારો નફો થવાની આશા પૂર્ણ થતી દેખાઈ

અમદાવાદ,તા. ૨૪: દિવાળીના પૂર્વ સંધ્‍યાએ ફટાકડા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાના બે વર્ષમાં ફટાકડાના વેપારીઓએ જે મંદીના મારની ફટકાર વાગી હતી. તે આ વર્ષે ગત બે વર્ષના મંદીના મારને સરભરની સાથે સારો નફો થવાની આશા પણ પૂર્ણ થતી જોવા મળી છે. ફટાકડા બજારોમાં છેલ્લી ઘડીએ લોકોની ભારે ભીડ જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડાઓના ભાવ પણ આ વર્ષે મોંઘા થયા બાદ પણ લોકોમાં ફટાકડા ખરીદવાનો અનેરો ઉત્‍સાહ દેખાઈ રહ્યો છે. અવનવા ફટાકડાઓની ડિમાન્‍ડ પણ બજારમાં જોવા મળી છે. ફટાકડા બજારમાં ફટાકડા માટેની ભારે ભીડ જામતાં પગ મુકવાની જગ્‍યા પણ ન હતી. શહેરના મુખ્‍ય ફટાકડા બજારોમાં મોડી રાત્રિ સુધી લોકો ફટાકડાની ખરીદી કરતાં જોવા મળ્‍યા હતા.
શહેરમાં ફટાકડાની કિંમતમાં ૩૦થી ૪૦ ટકાનો ભાવ વધારા વચ્‍ચે લોકોની ડિમાન્‍ડ ફટાકડાની વધી છે. દિવાળી પર્વના અઢવાડિયા પહેલાંથી ફટાકડાની ખરીદી લોકોએ શરૂ કરી દીધી હતી. સમગ્ર બાબતે ફટાકડાના વેપારીના જણાવ્‍યા અનુસાર, આ વર્ષે ફટાકડાઓ માગની સામે ઓછા બન્‍યા છે. તેમજ ફટાકડાના કાચા માલ સહિત મજૂરી મોંઘી બનતા ફટાકડાની કિંમતમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. બે વર્ષ બાદ બજારોમાં લોકોની ભારે ભીડ જામતાં અમને ખૂબ ખુશી થઈ છે. તેમજ દિવાળીના અઠવાડિયા પહેલાંથી જ લોકો મોટા જથ્‍થામાં ફટાકડાઓની ખરીદી કરવા લાગ્‍યા હતા. જેથી અમને આ વર્ષે ગત બે વર્ષમાં જે મંદીનો સામનો કરવો પડયો હતો. તે સરભર થતું જોવા મળ્‍યું છે. તેમજ તેના ઉપર પણ સારો નફો થતો હોવાનું સ્‍પષ્ટ દેખાઈ રહ્યુ છે. જેમ જેમ રજાઓ શરૂ થઈ તેમ તેમ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ ફટાકડાના બજારોમાં ગ્રાહકોને ફટાકડા દેખાડવા પણ માણસો ઓછા પડતા જોવા મળ્‍યા હતા. લોકોની ભારે ભીડે ફટાકડાના વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

(11:06 am IST)