Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પોઇચા નીલકંઠધામમાં તેરસ-ચૌદશ નિમિતે પુજનઃ ૧૦૮ લીટર દૂધ અને નર્મદા જળથી અભિષેક

નર્મદા જિલ્લાના પોઇચા નીલકંઠધામ ખાતે શ્રી પ્રભુ સ્‍વામી અને અન્‍ય સંતોને હનુમાનજીનું પૂજન અને યજ્ઞ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૨૪ : નર્મદા જિલ્લામાં પોઈચા નીલકંઠ ધામ શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખાતે દિવાળીની પૂર્વસંધ્‍યાએ સંતો હરિભક્‍તોએ ભક્‍તિભાવથી ઠાકોરજીનું વિશેષ પૂજન કરેલ.૧૦૮ લિટર દૂધ ૧૦૮ નર્મદા જળના કળશ તથા વિવિધ ફૂટના રસથી શ્રી પ્રભુ સ્‍વામી પૂજારી શ્રી નિરંજનદાસજી સ્‍વામી શ્રી અર્ચન સ્‍વામી તેમજ શ્રી મધુરવદન સ્‍વામી વગેરે સંતોએ નીલકંઠ ભગવાનને અભિષેક કરેલ હતો.

ધનતેરસના દિવસે સવારે શ્રી મહાલક્ષ્મી યાગ યોજાએલ. પુરાણી શ્રી ધર્મસંભવદાસજી સ્‍વામીની અધ્‍યક્ષતામાં યોજાયેલ શ્રી મહાલક્ષ્મી વિષ્‍ણુયાગનો ભૂદેવ શ્રી ગૌરાંગ મહારાજે વિધિવત યજ્ઞ પ્રારંભ કરાવેલ.  શ્રી મહાલક્ષ્મીજીને ૧૧,૦૦૦ કમળના ફૂલો, ૧૦૮ નાળિયેર તથા સૂકા નાળિયેરના કોપરા તેમજ  કમળ કાકડી આહૂતિઓમાં અર્પણ કરાયેલ. શ્રી ભજનપ્રકાશ સ્‍વામી , શ્રી મગલસ્‍વરૂપ સ્‍વામી, શ્રી સૂજ્ઞ સ્‍વામી તેમજ પ્રભુ સ્‍વામી આદિ સંતોની સાથે શ્રી ધીરુભાઈ કોટડીયા , શ્રી લાલુ ભગત , શ્રી ગોપાલભાઈ વગેરેએ આહૂતિઓ આપેલ હતી.

શ્રી પ્રભુસ્‍વામીના જણાવ્‍યા અનુસાર ભગવાન શ્રી સ્‍વામિનારાયણે શિક્ષાપત્રીમાં સૌને આજ્ઞા કરી છે કે આસો વદી ચૌદશને દિવસે હનુમાનજીનું પૂજન કરવું. એ અનુસાર ચૌદસને દિવસે હનુમાનજીનું ષોડશ રાજોપચારથી શ્રી પ્રભુ સ્‍વામીએ પૂજન કરેલ તથા શ્રી આત્‍મા પ્રકાશ સ્‍વામી શ્રી પ્રિયદર્શન સ્‍વામી વગેરે સંતો તેમજ પવિત્ર ભૂદેવો અને સેવક ભક્‍તોએ હનુમાન દાદાને ૧૦૮  લિટર તેલથી અભિષેક કરેલ.

આ પ્રસંગે શ્રી પ્રભુ સ્‍વામીએ કહેલ કે હનુમાનદાદાની સેવક ભક્‍તિ હંમેશાં અનુકરણીય રહી છે. ભગવાન શ્રી સ્‍વામિનારાયણે પણ વચનામૃતમાં એમના જેવું સેવકપણું અંગ સંતો ભક્‍તોને દ્રઢ કરવા કહેલું છે.

સુખ દુઃખમાં સદાય સાથ આપનારા હનુમાનજી મહારાજે રાવણનો વધ કર્યા પછીથી ચાણોદ કરનાળીના સામે કિનારે નીલકંઠધામ પોઈચાની નજીક નર્મદા કિનારે જ આવેલ હનુમંતેશ્વર મંદિરે પ્રાયશ્ચિત રૂપે તપ કરેલું. સાધના અને આરાધના આ કિનારે પોઇચા નિલકંઠધામ મંદિરમાં આસો વદી ચૌદશ જેને લોકમાં કાળી ચૌદશ કહે છે એ દિવસે આપણે વિશેષ ભક્‍તિ ભાવ સાથે પૂજન કરી ધન્‍ય બન્‍યા છીએ.

(4:12 pm IST)