Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પ્રેમીની લગ્ન માટેની ઉંમર ઓછી નીકળતા યુવતી ફસાઈ

માતા-પિતાએ લગ્ન નક્કી કરતા યુવતી પ્રેમીના ઘરે પહોંચી : સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ સહઅભ્યાસી સાથે પ્રેમ થઈ જતા લગ્ન માટે પહોંચી

અમદાવાદ, તા.૨૪ : પ્રેમમાં પડેલા પ્રેમીપંખીડા દુનિયાદારીનું ભાન ભૂલી જાય છે અને એમાંય જો પ્રેમ કાચી ઉંમરનો હોય તો ક્યારે તેઓ ના કરવાનું કરી બેસે છે. હાલમાં જ ચાંદખેડા વિસ્તારમાંથી એવો કિસ્સો સામે આવ્યો જેને થાળે પાડવા માટે અભયમની ટીમની મદદ લેવી પડી હતી. સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ સહઅભ્યાસી સાથે પ્રેમ થઈ ગયો. બંને મોજથી સાથે ફરતાં હતા પરંતુ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે યુવતીના માતાપિતાએ તેના લગ્ન બીજે નક્કી કરી દીધા. લગ્ન નક્કી થઈ જતાં યુવતી પોતાના પ્રેમીના ઘરે પહોંચી ગઈ. જોકે, પ્રેમીની વય લગ્ન લાયક ના હોવાથી તેના માતાપિતાએ સ્વીકારવાનો ઈનકાર કર્યો. છેવટે મામલો અભયમની ટીમ પાસે પહોંચ્યો હતો. સમગ્ર કિસ્સાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, ચાંદખેડામાં સીએનો અભ્યાસ કરતી યુવતીને સાથે ભણતા સીટીએમના ૧૯ વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો. બંને સાથે હરતા ફરતા હતા પરંતુ એક દિવસ યુવતીના માતાપિતાને તેના પ્રેમ સંબંધની જાણ થતાં જબરદસ્તી તેના લગ્ન બીજે નક્કી કરી દીધા. યુવતી પોતાના પ્રેમી સિવાય બીજા કોઈ સાથે લગ્ન ના કરવા માગતી હોવાથી પોતાના ઘરેથી ભાગીને પ્રેમીના ઘરે પહોંચી હતી.

પ્રેમીના માતાપિતાએ યુવતીને જણાવ્યું કે, તેમના દીકરાની ઉંમર ૧૯ વર્ષ હોવાથી લગ્ન નહીં કરાવી શકે. સાથે જ યુવતીને પોતાના ઘરે પાછા ફરવા માટે સમજાવી હતી. જે બાદ યુવતી રડવા લાગી હતી અને પોતાના પિતાના ઘરે પાછી ફરી હતી. પરંતુ તેઓ પણ તેને રાખવા તૈયાર નહોતા. જેથી યુવતીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી.

અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને સાંત્વના આપીને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેથી યુવતીને તેની ભૂલ સમજાઈ હતી. યુવતીના માતાપિતાને બોલાવીને અભયમની ટીમે તેમનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. સાથે જ યુવતી ફરી આવી હરકત નહીં કરે અને સીએના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપશે અને ઉજળું ભવિષ્ય બનાવશે તેવી બાંહેધરી આપી હતી. છેવટે યુવતીને તેના માતાપિતાને સોંપીને મામલો થાળે પાડ્યો હતો.

(7:14 pm IST)