Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ગૃહમંત્રી અમીતભાઈ શાહની ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે બેઠક

નાંદોદ બેઠક માટે શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા જ્યારે ડેડીયાપાડા બેઠક માટે પર્યુસાબેન વસાવા અને મોતીસિંહ વસાવા માંથી જ કોઈકને ટીકીટ મળશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાતમા વિધાનસભા ચુંટણીને લઈને હાલ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોર શોરથી કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે દક્ષિણ ગુજરાત ભાજપ સંગઠન અને ભાજપના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે વલસાડ ખાતે બેઠક યોજી હતી.નર્મદા જિલ્લામાંથી ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુસાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા અને  ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા સાથે અમિત ભાઈ શાહે બેઠક યોજી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ટિકિટનો મુદ્દો સુલઝાવવા માટે અમિતભાઈ  શાહે આ બેઠક બોલાવી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જીલ્લાની નાંદોદ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા જ્યારે ડેડીયાપાડા બેઠક માટે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુસાબેન વસાવા અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા મુખ્ય દાવેદાર છે.ત્યારે અમિત શાહ સાથેની બેઠકમાં એ જ લોકોને બોલાવવામાં આવતા વિધાન સભાની ટીકીટ પણ એમાંથી જ કોઈકને આપવામાં આવશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.બીજી બાજું ચર્ચાઓ એવી પણ છે કે અમિતભાઈ શાહે નર્મદા જિલ્લા ભાજપ આગેવાનોને વ્યક્તિ નહિ પણ પક્ષને જોઈ કામ કરવા સૂચના આપી દીધી છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ આગેવાનો સામે પડે છે કે સાથે રહે છે.

 

(10:21 pm IST)