Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસમાં ફાયરિંગ

પારડી તાલુકાના પરિયા ગામની ઘટના : ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી હતી

વલસાડ, તા.૨૩ : વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પરિણામને લઇને નાની-મોટી બબાલો સામે આવી રહી છે. ત્યારે વલસાડના પારડી તાલુકાના પરિયા ગામમાં એક વિજેતા ઉમેદવારએ હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે દિપક પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. વાયરલ થયેલો વીડિયો પારડી તાલુકાના પરિયા ગામનો છે. જ્યાં ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૪માં સભ્ય તરીકે ઉમેદવારી કરેલ દિપક પટેલ નામનો ઉમેદવાર વિજય થયો હતો.  પરિણામ બાદ વિજેતા ઉમેદવારોની પેનલનું વિજય સરઘસ નીકળ્યું હતું. આ વિજય સરઘસ દરમિયાન ગરબાના તાલે વિજેતા ઉમેદવારોના સમર્થકો ઝૂમી રહ્યા હતા. એ વખતે જ વિજયના ઉન્માદમાં આવી અને વિજેતા ઉમેદવાર દીપક પટેલે હવામાં ફાયરિંગ કર્યું હતું.

આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે વિજેતા ઉમેદવાર દિપક પટેલના હાથમાં રહેલું હથિયાર એ એરગન હતું  કે રિયલ ગન  એને લઈ આશંકા સેવાઈ રહી હતી. આમ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી અને ફાયરિંગ કરવાના મામલામાં પોલીસે વીડિયોમાં ફાયરિંગ કરતા દેખાઈ રહેલા  વિજેતા ઉમેદવાર દિપક પટેલની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા દિપક પટેલની પૂછપરછ કરી હતી અને તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પહેલા સત્તાવાર રીતે હથિયાર જમા કરાવવાનું સત્તાવાર  જાહેરનામું પ્રસિદ્ધ થાય છે. આથી જે  વ્યક્તિઓ પાસે  લાઇસન્સવાળા હથિયારો હોય તે હથિયારો  પણ જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરવાના હોય છે. તેમ છતાં, પરિયા ગામમાં વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં થયેલા ફાયરિંગમાં વપરાયેલુ હથિયાર રિયલ ગન  છે કે એરગન છે ?  તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં ઉમેદવારના હાથમાં રહેલું હથિયાર કોઈ રિયલ ગન  નહીં પરંતુ એર ગન હોવાનું બહાર આવ્યું હતું.આથી પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:23 pm IST)