Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

ખોડલધામમાં યોજાનાર પાંચમા પાટોત્સવનું આમંત્રણ આપવાના ભાગરૂપે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન

કાલોલ ગોધરા હાઈવે સ્થિત એક પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા લેઉવા પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

આ સ્નેહમિલનમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. તદ્ઉપરાંત આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકનિષ્ટસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ સંલગ્ન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે સમસ્ત પાટીદાર સમાજ સંગઠન અને એકતા સાથે જોડાય તેવા હેતુથી આગામી ૨૧-જાન્યુઆરીએ ખોડલધામમાં યોજાનાર પાંચમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે તેમાં આમંત્રણ આપવાના ભાગરૂપે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોતે માત્ર ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજને આમંત્રણ આપવા આવેલ હોવાનું જણાવ્યું હતું.

જ્યારે સ્નેહમિલન અંતર્ગત મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટિદાર સમાજના લોકોના ઉત્કર્ષ માટે વિવેકનીષ્ઠ સ્વામીએ પાટીદાર સમાજને વ્યસનો અને કુરિવાજોમાંથી બહાર આવી સામાજિક એકતા પર ભાર મૂકીને પાટીદારોના સરદાર પટેલને પોતાના આદર્શ માની તેમની રાહ પર ચાલવા માટેનું આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પાટીદાર સમાજના કન્વીનર નિરવ પટેલ સહિત, દક્ષેશ પટેલ તેમજ ગોધરા, દેરોલ, રામનાથ, રાબોડ, કંડાચ, તરોડા, લીમડી, અલવા, મલાવ, વેજલપુર,તેમજ પંચમહાલના પાટીદાર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો , કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:14 am IST)