Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદ મનપા ઇસરોને બદલે સિંગાપોરની ખાનગી કંપની પાસેથી સેટેલાઇટ મેપિગ કેમ ?

પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ મનપાના ભાજપ શાસકો સામે ઉઠાવ્યા ગંભીર સવાલ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ઈસરો દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. ઈસરોએ ચંદ્રયાન સહિત અનેક સફળતાના શિખર સર કર્યા છે. અમેરિકાની સંસ્થા નાસાને પણ દેશની સંસ્થા ઇસરો ટક્કર આપે છે. નીતિનવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ઈસરો ઉપર ભરોસો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

AMCના ભાજપના શાસકોના અમદાવાદ શહેર સહિત દેશને “આત્મનિર્ભર” બનાવવાની ખોખલી જાહેરાતો વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મૂકી સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું સેટેલાઇટ મેપિંગ કરાવવાનું આયોજન કરાયું છે. AMC ભાજપના શાસકોએ ઇસરોને છોડીને સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદ શહેરનું સેટેલાઇટ મેપિગ કરાવવાની જરુરિયાત કેમ ઉભી થઇ તે મોટો સવાલ છે. ઈસરો ખુદ સેટેલાઈટ મેપિંગ કરી આપવા તૈયાર હતું પણ AMCના શાસકોએ સેટેલાઈટ મેપિંગની ઉતાવળ હોવાનું કહી સિંગાપોરની કંપનીને પસંદ કરી છે. સિંગાપોરની ખાનગી કંપનીને ટેન્ડર વિના બારોબાર ક્વોટેશનથી 44.43 લાખના ખર્ચે સેટેલાઇટ મેપિંગ કરવાનું કામ આપવાની દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુકાશે. આ દરખાસ્તનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.

આ સમગ્ર મામલો એવો છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં સુઅરેજ અને સ્ટોર્મ વોટર લાઇનનો સ્ટ્રેટેર્જીક માસ્ટર પ્લાન તૈયાર કરાવવામાં આવી રહ્યો છે જેના માટે કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવી છે પણ હવે આ માસ્ટર પ્લાન તૈયાર કરાવવા માટે અમદાવાદ શહેર અને તેની આસપાસના 760 ચો. કિ.મી. વિસ્તારનો હાઇ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજ મેપિંગ કરાવવુ જરૂરી હોવાનું કહેવાય છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારના 760 ચો.કિ.મી. વિસ્તારોનું હાઇ રિઝોલ્યુશન સેટેલાઇટ મેપિંગ કરાવવા માટે ઇસરોને બદલે સિંગાપોરની ખાનગી કંપની સ્કાયમેપ ગ્લોબલ ઇન્ડિયા પ્રા.લિ. ( Skymap Global India pvt. Ltd.)ને કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાવવા જઈ રહી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર વિના બારોબાર ક્વોટેશનથી રુ,44.43 લાખના ખર્ચે સ્કાયમેપ ગ્લોબલ ઇન્ડિયા પ્રા.લિ.ને સેટેલાઇટ મેપિંગ કરવાનું કામ આપવાની છે. અહીં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, ઇસરો સેટેલાઇટ મેપિંગ કરી આપે છે ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સિંગાપોરની કંપનીની પાસે સેટેલાઇટ મેપિંગ કરાવવાની જરુર પડી છે ?

અમારા ધ્યાને આવ્યું છે કે, સિંગાપોરની ખાનગી કંપની અમદાવાદ શહેરનું સેટેલાઇટ મેપિંગ કરશે તેનાથી શહેરની સિક્યુરીટી સામે ગંભીર સવાલ ઉભા થાય તેમ છે. અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટ, ઈસરો, પીઆરએલ સહિતની રાષ્ટ્રીય ધરોહર સમી સંસ્થાઓ આવેલી છે. શહેરમાં આર્મી કેન્ટોનમેન્ટ છે, અમદાવાદની નજીકમાં વાયુસેનાના મહત્વના સ્પોટ છે. આવા સંજોગોમાં સિંગાપોરની ખાનગી કંપની અમદાવાદ શહેરનું સેટેલાઇટ મેપિંગ કરશે તે કેટલાં અંશે વાજબી છે ? આ કંપની ગ્લોબલ છે જેનું હેડ કવોટર સિંગાપોર ખાતે છે જ્યારે આ કંપની પાકિસ્તાનમાં પણ કાર્યરત છે ? જે ગંભીર સવાલ છે ?

આ કંપની જે સેટેલાઈટ ઇમેજ સહિતનો ડેટા તૈયાર કરશે તે ઇસરોને મોકલવામાં આવશે અને ઇસરો સુરક્ષા સંબધી મૂલ્યાંકન કરશે પછી ડેટા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મળશે. આ બાબત સ્પષ્ટ છે તો પછી આ કંપની અમદાવાદ શહેરનો ડેટા ગુપ્ત રાખશે ? તેમના ત્યાંથી કોઈ ડેટા લીક નહિ થાય ? તેની જવાબદારી કોણ લેશે ? આ તમામ ગંભીર સવાલ છે. આ દરખાસ્ત તાકીદે રદ કરવી જોઈએ.

(6:48 pm IST)