Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

આસીત વોરા રાજીનામુ આપે-કાયદેસર પગલા લેવાયઃ આપના મહેશ સવાણી અમરણાંત ઉપવાસ ઉપર

ભાજપ વિરોધી પ્રદર્શન ડામવા, લોકોને હેરાન કરવા જ માંગે છેઃ પ્રજા ઉપર કોઇ ધ્‍યાન નથીઃ આપ નેતાના ચાબખા : આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હેડ કલાર્ક પેપરકાંડ મામલે ઉપવાસ આંદોલન

અમદાવાદ, તા., ૨૪: ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્ક પરીક્ષાના પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઇ સવાણી અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલયમાં અમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેમણે માંગ કરી છે કે આસીત વોરા ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને તેઓ રાજીનામુ આપે.
મહેશભાઇએ પેપર કાંડ મુદ્દે આકરા પ્રહારો કરતા જણાવેલ કે ભાજપ રાજમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ પરીક્ષાઓના પેપર લીક થયા છે અને અનેક વિદ્યાર્થીઓની કારકીર્દી મુશ્‍કેલીમાં મુકાઇ છે. આ વિદ્યાર્થીઓ સરકારી ભરતી માટે ેલાંબા સમયથી તૈયારીઓ કરતા હોય છે. જે એળે જાય છે.
તેમણે વધુમાં જણાવેલ કે આ માત્ર ૮૮ હજાર વિદ્યાર્થીઓનો જ સવાલ નથી પણ છેલ્લા વર્ષોમાં પેપર ફુટવાના કારણે મુશકેલીમાં મુકાયેલ ૮૮ લાખ વિદ્યાર્થીઓના ભાવીનો પ્રશ્ન છે. જેથી આપ દ્વારા અમરણાંત ઉપવાસ શરૂ કરાયા છે. અને વિદ્યાર્થીઓને ન્‍યાય મળે અને આસીત વોરા રાજીનામુ આપે ત્‍યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.
મહેશભાઇએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવેલ કે આ સરકાર દ્વારા કયારેય કોઇ આંદોલનને પ્રતિભાવ અપાયો નથી. તેઓ તો બસ કોઇ પણ વિરોધ આંદોલનને કઇ રીતે ડામી દેવુ તે સાચુ હોય કે ખોટુ હોય તે અંગે જ કાર્યવાહી કરે છે.
બે વર્ષ પહેલાના પેપર ફુટવાના બનાવને લઇને તેમણે જણાવેલ કે બે વર્ષ પહેલાની પરીક્ષાના પેપર કાંડ મામલે થોડા લોકોને પકડી લેવાયા હતા. જે આજે આરામથી જાહેરમાં ફરી રહયા છે. નાની માછલીઓને પકડી લેવાય છે. જયારે મોટા મગરમચ્‍છોને કશુ કરાતુ નથી.
મહેશભાઇ સવાણીએ સરકારી પરીક્ષાના પેપર પ્રાઇવેટ પ્રેસમાં છાપવાના મુદ્‌ે પણ રાજય સરકાર અને બોર્ડને આડે હાથ લેતા જણાવેલ કે સરકારી પરીક્ષાના પેપર સરકારી પ્રેસમાં જ પ્રિન્‍ટ થવા જોઇએ. તેમ છતા પ્રાઇવેટ પ્રેસને છાપવા માટે મંજુરી અપાયેલ. સરકારી પરીક્ષાના પેપર કોઇ આઇએએસ, આઇપીએસ કે જજની નિગરાનીમાં જ તૈયાર થવા જોઇએ.  આસીત વોરા જ દોષી હોવાનું જણાવી મહેશભાઇએ કહેલ કે કોઇ પણ સરકારી પરીક્ષાના પેપરના ૩ થી ૪ સેટ બનાવવામાં આવે છે અને કયો સેટ પરીક્ષાર્થીઓને આપવો તે અંગેનો અંતિમ નિર્ણય ચેરમેન કરતા હોય છે. ત્‍યારે જે ફાઇનલ સેટ હોય તેમાંથી જ પેપર લીક થાય તો તે જવાબદારી પણ ચેરમેનની જ રહે છે.
મહેશભાઇએ જણાવેલ કે ભાજપ સરકાર આંદોલન ડામવા અને લોકોને હેરાનગતી કરે છે. પ્રજા ઉપર ધ્‍યાન જ નથી આપી રહી. અમારૂ આ અમરણાંત ઉપવાસ આંદોલન આસીત વોરા ઉપર કાયદેસર પગલા લેવાય અને રાજીનામુ ન આપે ત્‍યાં સુધી ચાલુ જ રહેશે.

 

(11:23 am IST)