Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ચણા પાકશે ઘણાઃ ૨૧૦.૧૨ ટકા વાવેતરઃ બે મહિના પછી બજારોમાં ઉભરાશે

કચ્છમાં ૭, ઉત્તર ગુજરાતમાં ૬૬૦, દક્ષિણમાં ૯૦૯૫, મધ્યમાં ૧૧૭૧ અને સૌરાષ્ટ્રમાં ૭૭.૫૫ હેકટરમાં વાવેતર

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાતમાં શિયાળુ પાકની વાવણી ૧૦૦ ટકા ઉપર થઈ ગઈ છે. દિવાળી આસપાસ વાવવામાં આવેલા તમામ પાક ઉનાળાના પ્રારંભે બજારમાં દેખાવા લાગશે. આ વખતે ટકાવારીની દ્રષ્ટિએ રવિ પાકમાં સૌથી વધુ વાવેતર ચણાનું થયેલ છે. પાછોતરા સારા વરસાદને કારણે તળાવો, કૂવાઓ વગેરેમાં પુષ્કળ પાણી છે. કુદરતી વાતાવરણ પણ સારૂ છે. જો વરસાદ જેવુ કોઈ કુદરતી વિઘ્ન ન આવે તો આ વર્ષે ચણાનો પાક વિક્રમસર્જક પ્રમાણમાં થવાના એંધાણ છે.

રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ચણાનું સરેરાશ વાવેતર ૪૬૬૧૬૩ હેકટરમા થયેલ. ગયા વર્ષની ૨૦ ડીસેમ્બર સુધીમાં ૭૮૧૯૭૪ હેકટરમાં વાવેતર થયેલ. આ વખતે ૨૦ ડીસેમ્બર સુધીમાં ૯૭૯૫૦૪ હેકટરમાં વાવેતર થયુ છે તે ગયા વખત કરતા ૨ લાખ હેકટર જેટલુ વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ ૨૧૦.૧૨ ટકા વાવેતર થયુ છે. વાવેતરમાં બીજા ક્રમે ૨૦૦ ટકા સાથે લસણ છે. રાજ્યના બધા પાકોનું મળીને સરેરાશ વાવેતર ૧૧૦.૬૨ ટકા જેટલુ થયુ છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક તરીકે મગફળી અને કપાસ મુખ્ય છે. તે રીતે રવિ પાક તરીકે ઘઉં, ચણા અને જીરૂ મુખ્ય છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર ચણાનુ થયુ છે. જ્યાં કપાસ વહેલો નિકળી ગયેલ તેવા ઘણા ખેડૂતોએ દિવાળી પછી ચણા વાવી દીધા છે. ફેબ્રુઆરી અંત અથવા માર્ચ પ્રારંભે બજારોમાં ચણાની ચિક્કાર આવક થશે.

ચણા આંકડાકીય દ્રષ્ટિએ

(આંકડા હેકટરમાં દર્શાવેલ છે)

. છેલ્લા ૩ વર્ષનું સરેરાશ વાવેતરઃ ૪,૬૬,૧૬૩

. ગયા વર્ષે ૨૦ ડીસેમ્બર સુધીનું વાવેતરઃ ૭,૮૧,૯૭૪

. ચાલુ વર્ષે ૨૦ ડીસેમ્બર સુધીનું વાવેતરઃ ૯,૭૯,૫૦૪

. ટકાવારીની દ્રષ્ટિએ વાવેતરઃ ૨૧૦.૧૨ ટકા

. રાજ્યના બધા પાકોનું સરેરાશ વાવેતરઃ ૧૧૦.૬૨ ટકા

(11:41 am IST)