Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્ન બતાવનાર ભાજપ સરકારના કારણે ખેડૂતો દેવાદાર બન્યા : હાર્દિક પટેલ

૫૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારો ચૂંટાયાનો પ્રદેશ કોંગ્રેસ અગ્રણીનો દાવો

રાજકોટ તા. ૨૪ : ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા સરપંચો - ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ઉમેદવારો પોતાની ક્ષમતા અનુસાર ગ્રામ પંચાયતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. ૫૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારોની જીત થઈ છે. તમામ ચૂંટાયેલા સરપંચો, ગ્રામ પંચાયતના સુંદર નિર્માણ થી ગુજરાત રાજયના નવનિર્માણ માટે મહત્વનો પાયો નાખશે. ગુજરાતમાં થયેલા સત્તા વિરોધી આંદોલનોમાંથી બહાર આવેલા યુવા નેતાઓ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. યુવાનોએ રાજકારણમાં આવવુ જોઈએ અને તેનો રસ્તો પંચાયતના રાજકારણમાંથી પસાર થાય છે. તમામ યુવા સરપંચો પોતાની ગ્રામ પંચાયતોમાં વિકાસની રૂપરેખા તૈયાર કરીને પોતાની યુવા શકિતનો પરચો આપશે. ભાજપા એ સત્ત્।ાના કેન્દ્રીકરણ દ્વારા પંચાયતી રાજના માળખાને તોડીને ગુજરાતની ત્રીસ્તરીય વ્યવસ્થાને મોટુ નુકસાન કર્યું છે.

ખેડૂત - ખેતી અને ગામડાને નુકસાન કરનાર ભાજપાની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયા છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યા છે. જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂતો માટે મોટા વાયદાઓ - વચનો આપવાવાળી આ ભાજપ સરકાર અને એના શાસકો આજે જયારે ખેડૂત દેવાદાર બન્યો છે ત્યારે એને મદદ કરવાને બદલે એના માનિતા ઉદ્યોગપતિઓ પાછળ સરકાર તિજોરીઓ લુટાવી રહ્યાં છે. માનિતા ઉદ્યોગપતિઓ માટે ૩૦ લાખ કરોડ રૂપિયાના દેવા અને એના કરની રાહતમાં માફી આપવામાં આવે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની વાત આવે તો સરકાર કહે છે અમારી પાસે પૈસા નથી. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થશે. એવા સ્વપ્ન બતાવવાવાળી સરકાર આજે ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા નથી આપતા.

લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનુ દેવુ માફ કરે છે. ભાજપ સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી ૭ જેટલા તેલીબીયા, કઠોળ, ડુંગળી-બટાકા, જેવી વસ્તુઓને બાદ કરવામાં આવી છે જેની સીધી અસર ખેડૂતોની આવક ઉપર તેમજ તેના સંગ્રહ ખોરીને કારણે મોંઘવારી સ્વરૂપે જોવા મળી રહી છે. ખેડૂતોના હક્કના પૈસા મળે, વાવેતરનુ સમયસર યોગ્ય વળતર અને ટેકાના ભાવો મળે તે માટે એમ.એસ.પી. નો કાયદો, ખેડૂતોને લઘુત્તમ ૧૦,૦૦૦ નું પેન્શન, લઘુત્તમ વેતન જે છેલ્લા પાંચ વર્ષથી રીવાઈઝ થયેલ નથી તે સત્વરે થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

(12:46 pm IST)