Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સહકારિતા ગુજરાતના લોહીમાં ધબકે છેઃ ઘનશ્યામભાઇ અમીન

સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં સેમીનારઃ ડો. ચંદ્રપાલસિંહનું સન્માન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ર૪: ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુકામે ''સહકારિતામાં ટેકનોલોજી અને યુવાનોની ભાગીદારી'' વિષય પર સેમિનાર અને ઇન્ટરનેશનલ કો-ઓપ. એલાયન્સ (એ.પી.) માં પ્રેસિડેન્ટ પદે ડો. ચંદ્રપાલસિંહ યાદવ ચૂંટાઇ આવતા અને ઇફકોમાં શ્રી દિલીપભાઇ સંઘાણી ચેરમેન પદે નિયુકત થતા દેશમાં સૌથી પ્રથમ ગુજરાત રાજય સરકારી સંઘ દ્વારા તેમના બહુમાન માટે સન્માન સમારોહ યોજાઇ ગયો.

રાષ્ટ્રની મોટાભાગની એપેક્ષ સહકારી સંસ્થાઓના ચેરમનશ્રીઓ જેવાં કે, ક્રિભકોના ચેરમેન ડો. ચન્દ્રપાલસિંઘ યાદવ, ઇફકોના ચેરમેન, અને એન.સી.યુ.આઇ. ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ દીલીપભાઇ સંઘાણી, નાફેડના ચેરમેન ડો. બ્રિજેન્દ્રસિંઘ, નાસ્કોબના ચેરમેન કે. રવિન્દર રાવ, લેન્ડ મોર્ગજ ફેડરેશનના ચેરમેન શ્રી શીવદાસન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારનું દિપ પ્રાગટય કરી ઇન્ટરનેશલ કો-ઓપ. એલાયન્સ (એ.પી.)ના પ્રેસિડેન્ટ અને ક્રિભકોના ચેરમેન ડો. ચન્દ્રપાલસિંઘ યાદવે સહકારિતાના સામર્થ્યથી રાષ્ટ્રનો વિકાસ થઇ શકે છે તે અંગે માહિતી આપી હતી.

સેમિનારના મુખ્ય મહેમાન નાફેડના ચેરમેન ડો. બ્રિજેન્દ્રસિંઘે ટેકનોક્રિએટ સહકારિતા અને યુવાનો પુસ્તિકાનું વિમોચન કરી આઇ.સી.એ.એ.પી.માં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાવા બદલ ડો. ચન્દ્રપાલસિંઘ યાદવને અને ઇફકોમાં ચેરમેન તરીકે ચૂંટાવા બદલ શ્રી દિલીપભાઇ સંઘાણીને શુભેચ્છા પાઠવી હતી.

સેમિનારના પ્રમુખસ્થાનેથી સહકારથી ગ્રામ વિકાસ, ગ્રામ વિકાસથી રાષ્ટ્ર વિકાસની વાત સમજાવતાં કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના ચેરમેન અને ગુજરાત રાજય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઇ અમીને ડો. ચન્ઘ્રપાલસિંઘ યાદવને અને દિલીપભાઇ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, દેશમાં ચાર વ્યકિતએ એક વ્યકિત સહકાર સાથે સંકળાયેલી છે દેશની ૮.પ૦ લાખ સહકારી સંસ્થાઓ સાથે ૩પ કરોડ લોકો જોડાઇને પોતાનું આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે સહકારીતા ગુજરાતના લોહીમાં ધકબી રહી છે તેમ જણાવેલ છે.

સેમિનારના અતિથિવિશેષ નાફેડના વાઇસ ચેરમેન અને બિહાર સ્ટેટ કો. ઓપ. યુનિયનના ચેરમેન ડો. સુનિલકુમાર સિંઘે બન્ને મહાનુભાવોને અભિનંદન પાઠવી મનનીય પ્રવચન કર્યું હતું.

રાજય સહકારી સંઘના એકિઝકયુટિવ ઓફિસર ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ઉપસ્થિત રાજયની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અતિથિ વિશેષ સૌનો આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર અને રાજય સંઘના માનદમંત્રી અરવિંદભાઇ તાગડીયાએ આભાર માન્યો હતો.

રાષ્ટ્ર, રાજય અને જિલ્લાની સહકારી સંસ્થાઓએ આ બન્ને મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.

(2:51 pm IST)