Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કોંગ્રેસનો નગારે ઘા : સંગઠન મજબુત કરવા -વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે બેઠકોનો જબરો ધમધમાટ શરૂ

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ જીલ્લાઓના નેતાઓ-પદાધિકારીઓ સાથે પ્રભારી ડો. શર્મા, અધ્યક્ષ જગદીશભાઇ સહિતના અગ્રણીઓની બેઠકોનો દોર : આગામી દિવસોમાં જીલ્લા સ્તરે પદાધિકારીઓ નિમાશે : બુથને મજબુત કરવા રણનીતિ બનાવાશે : સહપ્રભારી બધેલ, કાર્યકાહી પ્રમુખ હાર્દિક પટેલનું પણ માર્ગદર્શન

ગાંધીનગર, તા. ર૪ :  ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તન બાદ હવે સંગઠનમાં પ્રાણ ફૂંકવાને લઇને કવાયત હાથ ધરી છે. એક તરફ અભિયાન શરૂ કરાયા છે તો બીજી બાજુ જીલ્લા અને તાલુકા સ્તરે પદાધીકારીઓ અને નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ થયો છે.

બેઠકોમાં આવતા વર્ષે યોજાનાર ધારાસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી જવા કાર્યકર્તાઓને આહવાન કરાઇ રહ્યું છે. સંગઠનને મજબુત બનાવવા માટે દરેક જીલ્લામાં પદાધિકારીઓની નિયુકતીની પણ શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના અમદાવાદ સ્થિત મુખ્યાલય ખાતે જીલ્લા પદાધિકારીઓ અને નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઇકાલે ગાંધીનગર અને આણંદ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓની બેઠક મળેલ આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુશર્મા, અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહેલ.  આ બેઠકમાં બન્ને જીલ્લાઓના નેતાઓ અને પદાધિકારીઓને સંગઠન મજબુત બનાવવા અને આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા જણાવાયું હતું. આગામી દિવસોમાં જીલ્લાસ્તરે  પણ પદાધિકારીઓની નિયુકતી કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અગાઉ કહેલ કે, જે પણ કાર્યકર્તા જમીન સ્તરે સારૂ કાર્ય કરશે તેને જવાબદારી સોંપાશે. તેના માટે અલગ -અલગ ગ્રુપ બનાવાશે. સલાહ-સુચન બાદ જ સંગઠનમાં કામની જવાબદારી અપાશે. ઉપરાંત બુથ સ્તરને પણ મજબુત બનાવવા રણનીતિ અપનાવાશે.

(2:52 pm IST)