Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

૧૦૮ એમ્બ્યુલન્સ એટલે જીવન રક્ષક સેવાઃ ૧૦૮ એમ્બ્યુલન્સના લાઇફ સેવિંગ મીશનમાં વધુ એક પીછું ઉમેરાર્યું : ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી એ ૧૦૮ સીટીઝન મોબાઇલ એપ લોન્ચ કરીને નવી એમ્બ્યુલન્સોને લીલી ઝંડી આપી નાગરિકોની સેવા માટે -સ્થાન કરાવીઃ કટોકટીના સમયમાં છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી ૧૦૮ એમ્બ્યુલન્સ વિશ્વાસનું પર્યાય બની છે : આરોગ્ય મંત્રી : પદ્મશ્રી ઇશ્વરભાઇ પટેલની પુણ્યતિથીની સ્મરણાંજલિએ ૧૦૮ એમ્બ્યુલન્સના કોરોના વોરિયર્સનું સન્માન કરાર્યું: વર્ષ ૨૦૨૧-૨૨ માં કાર્યરત ૬૨૪ એમ્બ્યુલન્સોમાં નવી ૧૭૬ એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા ૮૦૦ થશે.: ૧૦૮ એમ્બુલન્સ શહેરી વિસ્તારમાં સરેરાશ ૧૨ મિનીટ ૨૬ સેકંડ અને ગ્રામ્ય વિસ્તાર માં સરેરાશ ૨૧ મિનીટ ૨૬ સેકંડ માં દર્દી સુધી પહોંચે છે : કોવિડ સંક્રમણ સબંધિત કુલ ૨,૨૦,૪૫૧ જેટલા દર્દીઓને કટોકટીની પળોમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા

રાજકોટ, તા. ર૪ : આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા સુશ્રુષા અને ફરજનિષ્ઠાને બિરદાવીને ૧૦૮ ની સેવાને જીવન રક્ષક સેવા ગણાવી હતી.

અમદાવાદના કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટર ખાતે સીટીઝન મોબાઇલ એપનુ આરોગ્ય મંત્રી શ્રી એ લોન્ચિંગ કરીને નવી ૧૦૮ એમ્બ્યુલન્સોને લીલી ઝંડી આપી શહેરીજનોની સેવામાં કાર્યરત કરી હતી.

કોરોના કાળમાં ૧૦૮ના સેવા કર્મીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી અને મહામારીમાં પણ સતત ખડેપગે ફરજરત રહેનારા ૧૦૮ના સેવા કર્મીઓની કર્તવ્ય પરાયણતાને આરોગ્ય મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા બિરદાવીને તેમનું હર્ષભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રી શ્રી એ ૧૦૮ એમ્બ્યુલન્સ ની કામગીરી નો સંદર્ભ આપતા કહ્યું કે, આકસમિક પરિસ્થિતિઓ અને કટોકટીના સમયમાં  છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરીને ૧૦૮ સેવા વિશ્વાસનું પર્યાય બની છે.

તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશીતાના પરિણામે ૨૦૦૭ માં ૫૩  જેટલી  એમ્બ્યુલન્સની સેવાઓ સાથે રાજ્યભરમાં શરૂ કરાયેલી ૧૦૮ ની સેવા આજે ૮૦૦ એમ્બ્યુલન્સના બળ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારીને ખિલખિલાટ, અભયમ હેલ્પલાઇન-૧૮૧, ૧૦૪, કરુણા એમ્બ્યુલન્સ સેવાઓ નાગરિકો માટેની સેવામાં રાઉન્ડ ધ કલોક કાર્યરત બની છે.

આ સેવાઓ શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહીને રાજ્યના દૂર-સુદૂર અને આંતરિયાળ વિસ્તારોમાં સફળતાપૂર્ણ વિસ્તરણ પામીને અસરકારક પરિણામો આપી રહી છે.

૧૦૮ સેવાઓ રિસ્પોન્સ ક્રાઇમને ખૂબ જ ઝડપી બનાવીને અનેક જરૂરીયાત મંદ નાગરિકોની આકસ્મિક પરિસ્થિતિઓમાં સારવાર કેન્દ્ર સુધી ત્વરિત પહોંચાડી અને ઘણી સગર્ભાઓની એમ્બ્યુલન્સમાં સફળત પ્રસુતિ કરાવીને ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે આ સેવાઓ ટેકનોલોજીના સમન્વય સાથે વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે અને જનહિત લક્ષી આ સેવાને સરળ બનાવવા એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપ રાજ્યના જરૂરીયાત મંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેવો આશાવાદ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે વ્યકત કર્યો હતો.

આ વેળાએ આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં વધુ નાગરિકોને ૧૦૮ ની સીટીઝન મોબાઇલ એપ ડાઉનલોડ કરી ૧૦૮ ના સેવાના યજ્ઞમાં જોડાઇ જનઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો..

તેઓએ આ પ્રસંગે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને આવનારી તમામ પ્રતિકૂળ પરિસ્થિતીઓ અને અસરોને પહોંચી વળવા સરકાર સજ્જ હોવાનું પણ જણાવ્યું હતુ.

કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમીક્રોન વાયરસના સંક્રમણ થી બચવા સાવચેતી એ જ સલમાતી નો અભિગમ દાખવીને કોરોનાના દિશાનિર્દેશોનું પાલન કરવા અને કોરોના અનુરૂપ વર્તનને અનુસરવા મંત્રીશ્રી એ નાગરિકોને અપીલ કરી હતી.

આ પ્રસંગે મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટ દ્વારા પદ્મશ્રી  ઇશ્વરભાઇ પટેલની પુણ્યતિથીની સ્મરણાંજલિએ કોરોનાકાળ દરમિયાન જીવના જોખમે દરિદ્રનારાયણની સેવા કરનારા ૧૦૮ ના કોરોના વોરીયર્સનું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ સહિત અગ્રણી શ્રી જયેશભાઇ પટેલ, શ્રીમતી અનારબેન પટેલ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.

આરોગ્યમંત્રી શ્રીએ સ્વ શ્રી ઇશ્વરભાઇ પટેલને સેવાપુરુષ ગણાવીને જનકલાયણની સેવાઓને અને સંસ્મરણોને વાગોળ્યા હતા.

આરોગ્યમંત્રી શ્રી એ ૧૦૮ ના કઠવાડા સ્થિત સેન્ટરની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ અને ટ્રેનિંગ સેન્ટરની વિગતવાર માહિતી મેળવીને તમામ પરિસ્થિતીનો તાગ પણ મેળવ્યો હતો. (૯.૧૬)

-અમિતસિંહ ચૌહાણ

૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લીકેશનના ફીચર્સ અને કામગીરીને જાણીએ

રાજકોટ :  અધ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી  તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે.

 આ અદ્યતન એપ્લીકેશન દ્વારા ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવા મદદરૂપ બનશે.

કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી એપ્લીકેશન થકી બોલાવી શકાશે.

મોબાઇલ એપ્લીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનુ ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવા માટે સમયનો બચાવ થશે.

કોલ કરનાર વ્યકિત ઘટના સ્થળે આવી રહેલ ૧૦૮ એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ ક્યાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે.

ઘટનાસ્થળે મદદ માટે આવતી એમ્બ્યુલન્સનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે.

 ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યકિત ઘટના સ્થળની નજીકમાં આવેલ તમામ સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકની માહિતી મેળવી શકશે તેમજ ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી પણ જાણી શકશે.

મોટા અકસ્માતોનાં કિસ્સામાં ઘટના સ્થળનાં ફોટો ગ્રાફ્સ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકાશે જેથી કમાંડ સેન્ટર ખાતે મોટી ઘટનાની ગંભીરતા અને અસર વિશેની જાણકારી મળી શકશે અને એક કરતા વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તો તાત્કાલિક વધુ એમ્બ્યુલન્સો મદદ માટે ઘટના સ્થળે મોકલી શકાશે.

(3:41 pm IST)