Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગરીબોને અપાતુ સસ્તુ અનાજ બારોબાર વગે થતુ રોકવા પુરવઠાની ખાસ એપ્લીકેશન : દુકાનદારોનું કમીશન રૂ. ૧૫૦ થશે

એપ્લીકેશનનું આજે સંભવત લોન્ચીંગ : કમીશન જાન્યુઆરીથી વધશે : હવે કપાસીયાના બદલે સરકાર સીંગતેલ તથા મગ-ચણાની દાળ પણ ગરીબોને આપશે

રાજકોટ તા. ૨૪ : ગરીબોને અપાતુ સસ્તુ અનાજ બારોબાર સગેવગે થતું હોય રાજ્યના પૂરવઠા ખાતાએ એક મહત્વનો નિર્ણય લઇ એક એપ બનાવવાનું ફાઇનલ કર્યું છે, હાલ તેની ઉપર કામ ચાલી રહ્યું છે, અને જાન્યુઆરીમાં તેનું લોન્ચીંગ કરવા જઇ રહી છે.

આ એપ દ્વારા જે લોકો અનાજ નથી લેતા તે કાર્ડ હોલ્ડરો પણ પોતાના નામે અન્ય કોઇ અનાજ નથી લઇ જતું ને કે દુકાનદાર સગેવગે નથી કરતા તે પણ કાર્ડ હોલ્ડરો જોઇ શકશે.

આ અપ્લીકેશનમાં દરેક ગ્રાહકનો રેકોર્ડ ડેટા ફીટ કરાશે, તથા ગરીબ કાર્ડ હોલ્ડરો આ એપ દ્વારા અનાજની કવોલિટી મુદ્દે પણ ડાયરેકટ કલેકટર કે ડીએસઓને ફરીયાદ કરી શકશે, અમુક દુકાનદારો તોછડાઇ કરતા હોય, સમયસર દુકાન નો ખોલવી વિગેરે પણ જાણ કરી શકાશે.

આજે અથવા તો કાલે આ એપ્લીકેશનનું લોન્ચીંગ થઇ રહ્યું છે, દરમિયાન સસ્તા અનાજના દુકાનદારોનું કમીશન જાન્યુઆરીથી વધી રહ્યાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. હાલ કવીન્ટલ દીઠ રૂ. ૧૦૮ કમીશન અપાતું હતું તે હવે વધારીને રૂ. ૧૫૦ કરાશે, સરકાર આ મતલબની મહત્વની જાહેરાત જાન્યુઆરીના પ્રથમ વીકમાં કરશે.

આ ઉપરાંત રાશનકાર્ડ ઉપર કપાસિયાને બદલે સીંગતેલ પણ અપાશે તેમજ મગ અને ચણાની દાળ આપવાની પણ જાહેરાત થઇ શકે છે.

(3:42 pm IST)