Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદની ખાનગી હોસ્પિટલો અને નર્સીંગહોમ્સ સરકારી વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરશે

તા.૧૫ જાન્યુ.થી અમુક હોસ્પિટલો કેશલેસ સુવિધા બંધ કરશેઃ વધુ હોસ્પિટલો જોડાશે તેવી ચર્ચાઃ રાજકોટની ખાનગી હોસ્પિટલોના તબીબો પણ સરકારી વીમા કંપનીઓથી નારાજ

રાજકોટઃ તા.૨૪, દિવસે-દિવસે મેડીકલ ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલો અને નર્સીંગ હોમ્સ દ્વારા મુખ્ય ચાર સરકારી વિમા કંપનીઓ પ્રત્યે નારાજગી વ્યકત કરી છે અને અમુક ખાનગી હોસ્પિટલો અને નર્સીંગ હોમ્સ દ્વારા તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૨થી ચાર સરકારી વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરાયાની ચર્ચા મેડીકલ ફિલ્ડમાં થઇ રહી છે. વધુને વધુ હોસ્પિટલો આ કેશલેસ સુવિધા બંધ  કરવા સંદર્ભે સહમત થશે તેવો આશાવાદ પણ વ્યકત કરાઇ રહયો છે.

ચર્ચાતી વિગતો મુજબ રાજકોટમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા પ્રતિષ્ઠિત તબિબો પણ કેશલેસ સુવિધા સંદર્ભે મુખ્ય ચાર સરકારી વીમા કંપનીઓથી નારાજ છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરી રહયા છે.

કેશલેસ સુવિધા અંતર્ગત ધારણા કરતા પેમેન્ટ મોડુ આવવુ, કુલ પેમેન્ટ બીલમાં અમુક રકમ કટ થવી કે જે પછીથી દર્દીઓ પાસેથી વસુલી ન શકાય, અમુક નિતિ-નિયમો થોડા વધુ પડતા આકરા હોવાની ચર્ચા વિગેરે કારણોસર ચાર સરકારી વીમા કંપનીઓની કેશલેસ સુવિધા સંદર્ભે તબીબોમાં નારાજગી પ્રવર્તતી હોવાનું જાણવા મળે છે.

(4:10 pm IST)