Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદ મ્યુ. કમિશનર સહિત ૭ IASની બદલી

ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થવા સાથે બદલીનો દોર શરૂ : મુકેશ કુમારની શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ

ગાંધીનગર, તા.૨૪ : ગ્રામ પંચાયતની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ રાજ્ય સરકારે સાત સનદી અધિકારીઓની બદલી કરી છે, જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનો પણ સમાવેશ થાય છે. આ અંગે આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ૧૯૯૬ની બેન્ચના આઈએએસ મુકેશ કુમારની શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગ વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મુકેશ કુમારના સ્થાને અમદાવાદના મ્યુ. કમિશનર તરીકે ૨૦૦૨ની બેન્ચના આઈએએસ લોચન સેહરાની નિમણૂક કરવામાં આવી છે. અત્યારસુધી સેહરા શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગ વિભાગમાં સેક્રેટરી તરીકે કાર્યરત હતા. કોરોના કાળ દરમિયાન તત્કાલિન મ્યુ. કમિશનર વિજય નહેરાને હટાવીને મુકેશ કુમારને આ પદ પર બેસાડવામાં આવ્યા હતા. મુકેશ કુમાર તે પહેલા પણ અમદાવાદના મ્યુ. કમિશનર રહી ચૂક્યા છે.

૧૯૮૮ના આઈએએસ મુકેશ પુરી અત્યારસુધી શહેરી વિકાસ અને શહેરી બાંધકામ વિભાગનો હવાલો ધરાવતા હતા, જેમની ઊર્જા વિભાગમાં ટ્રાન્સફર કરીને તેમને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ કંપની લિમિટેડ, વડોદરાના એમડી બનાવવામાં આવ્યા છે.

૨૦૦૪ની બેન્ચના અધિકારી રાકેશ શંકરને જીએડીમાં યથાવત રાખીને તેમને શહેરી વિકાસ વિભાગમાં હાઉસિંગ અને નિર્મળ ગુજરાત શાખાના સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે ૨૦૦૭ની બેન્ચના આઈએએસ બી.આર. દવેની એડિશનલ રુરલ ડેવલપમેન્ટ કમિશનરના પદેથી ટ્રાન્સફર કરીને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કુ. લિમિટેડના એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ સિવાય ૨૦૧૨ની બેન્ચના કે.સી. સંપતને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કુ. લિમિટેડના એમડીના પદેથી ટ્રાન્સફર કરી તેમને સુરેન્દ્રનગર જિલ્લાના ડીડીઓ બનાવાયા છે, જ્યારે ૨૦૧૬ની બેન્ચના અધિકારી નવનાથ ગવહાણેની ટ્રાન્સફર એડિશનલ રુરલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે કરવામાં આવી છે. આ પદ પર અત્યારસુધી બી.આર. દવે કાર્યરત હતા.

(8:53 pm IST)