Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

આત્‍મનિર્ભરતાની દિશામાં આગળ વધતી સુશાસનની નવી પરિભાષાઃ ભારતીય જનતા પાર્ટીની સરકારો આવા વિચારોને જ પોતાનો આદર્શ મંત્ર માને છેઃ ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ

અટલજીના જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએ મહાન વ્‍યકિતત્‍વને વંદન કરતા મુખ્‍યમંત્રી

ગાંધીનગરઃ સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈપણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે. દેશના મહાન જનનેતા, પ્રખર વક્તા અને શ્રેષ્ઠ રાષ્ટ્રકવિ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજી હંમેશાં માનતા હતા કે તમામના સહિયારા પ્રયાસોથી જ દેશમાં સુશાસન સ્થાપિત થઈ શકે છે. સુશાસન ક્યારેય એકાંગી ન હોઈ શકે. સુશાસન લોકસશક્તિકરણનું સુંદર ઉદાહરણ છે. જ્યાં સુધી છેવાડાના માનવી સુધી વિકાસની ધારા નથી વહેતી, ત્યાં સુધી સુશાસન વામણું જ રહે છે. લોકશાહીનું સફળ પરીક્ષણ પણ સુશાસનની પ્રયોગશાળામાં જ થઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારો તેમના આવા વિચારોને જ પોતાનો આદર્શ મંત્ર માને છે. અમને ગર્વ છે કે અમારી પાર્ટીના પાયામાં આવા વિચારોનું સિંચન છે, જેમાં જનકલ્યાણ અને અંત્યોદયની ભાવના સમાવિષ્ટ છે. આજે અમે દેશના વિકાસ માટે શ્રી અટલજીના આ જ વિચારોને અને તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ.

વર્ષ 2014માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અટલજીના જન્મદિવસ 25 ડિસેમ્બરને ‘સુશાસન દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો હતો. તેમનો આ નિર્ણય પોતાના આદર્શ નેતાને એક સાચી શ્રદ્ધાંજલિ હતી, કારણકે અટલજી ભારતીય રાજકારણના પહેલા એવા નેતા હતા જેમણે દેશમાં સુશાસનનો પાયો નાખ્યો હતો.

25 ડિસેમ્બર, 1924ના રોજ જન્મેલા શ્રી અટલ બિહારી વાજપેયી કોઈ પક્ષ પૂરતા જ સીમિત નહોતા, પરંતુ તેઓ દેશના નેતા હતા. તેઓ રાજકારણના અજાતશત્રુ તરીકે ઓળખાતા હતા અને તેમણે પોતાના વાણી, વર્તન અને વિચારોથી આ અનોખી પ્રશંસા મેળવી હતી. એ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વનો જ કમાલ હતો કે આરએસએસ-જનસંઘની પૃષ્ઠભૂ ધરાવતા હોવા છતાંપણ તેઓ વિપરીત વૈચારિક ધ્રુવો વાળા પક્ષોમાં પણ સ્વીકાર્ય બન્યા હતા. જ્યારે તેમણે ‘કદમ મિલાકર ચલના હોગા’ જેવી કવિતા લખી ત્યારે તે ફક્ત એક કવિનું દીવાસ્વપ્ન જ નહોતું, પરંતુ એક સાચી લોકતાંત્રિક વ્યક્તિના અંતરમનની સશક્ત, ઉદાર અને લોકતાંત્રિક અભિવ્યક્તિ પણ હતી.

વ્યક્તિગત રીતે એકદમ સૌમ્ય અને શાંત સ્વભાવ પરંતુ દેશહિતમાં મોટા અને કઠોર ફેંસલાઓ લેનારા અટલજી એક મહાન વ્યક્તિ હતા. તેમણે ભારતીય રાજકારણને પરિપક્વ બનાવવા અને ભારતીય લોકતંત્રને મજબૂત બનાવવામાં ઘણી ઊંડી છાપ છોડી છે. તેમણે દેશના રાજકારણ અને અર્થવ્યવસ્થાને એક નવી દિશા આપી અને એક નવો આયામ આપ્યો. રાજકીય વૈમનસ્યોથી દૂર રહીને તેમણે ‘મતભેદ થાય પણ મનભેદ ન થાય’ એ સિદ્ધાંત પર ભાર મૂક્યો.

દેશ તેમજ રાજ્યની અમારી સરકારોએ અટલજીના આ જ વિચારોને પોતાના પ્રશાસનનો આધાર બનાવ્યા છે. જ્યારે શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અટલજીની આ જ ભાવનાને મૂર્તિમંત કરવા માટે પોતાની વહીવટીય શૈલીમાં સુશાસનના તત્વોને પ્રાથમિકતા આપી. વર્તમાન સમયમાં દેશને સુશાસનની નવી પરિભાષા આપતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની આત્મનિર્ભરતાના વિચારને આગળ વધાર્યો છે. અમારું માનવું છે કે જો આપણે વિશ્વનું નેતૃત્વ કરવું હશે, તો તેના માટે આપણે આપણા માનવ સંસાધનો અને પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય સુમેળ સાધીને ભારતને દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવું જ પડશે. 

ગુજરાત સરકાર દેશને આત્મનિર્ભર બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આગામી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું થીમ પણ અમે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખ્યું છે. આ સમિટમાં અમે સુનિશ્ચિત કરીશું કે ગુજરાત આર્થિક રીતે પહેલા કરતા પણ વધુ સક્ષમ બને અને અમે વધુમાં વધુ ઉદ્યોગોને આકર્ષિત કરીએ તેમજ અમારા સ્ટાર્ટ-અપ્સના વિકાસ માટે પણ અમે એક વિસ્તૃત મંચ પ્રદાન કરીએ.

અવરોધો ભલે અનેક આવે તોપણ આપણે સૌના સાથ, સૌના પ્રયાસ થકી ‘આત્મનિર્ભર ભારત’ ના લક્ષ્યને સિદ્ધ કરવું જ રહ્યું. સહિયારા પુરુષાર્થની આ જ ભાવનાને વ્યક્ત કરતી અટલજીની પંક્તિઓ અત્રે યાદ આવી જાય છે....

બાધાએં આતી હૈં આએં,

ઘિરેં પ્રલય કી ઘોર ઘટાએં,

પાવોં કે નીચે અંગારે,

સિર પર બરસેં યદિ જ્વાલાએં,

નિજ હાથોં સે હંસતે-હંસતે,

આગ લગાકર જલના હોગા

કદમ મિલાકર ચલના હોગા.

શ્રદ્ધેય અટલજીના સન્માનમાં આ વર્ષના સુશાસન દિવસને અમે ‘ગુડ ગવર્નન્સ વીક’ તરીકે ઊજવી રહ્યા છીએ. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક રસીકરણ અભિયાનનું વિશેષ આયોજન, રોજગાર શિબિર, આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડનું વિતરણ જેવી અનેક જનકલ્યાણકારી પહેલો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 25 ડિસેમ્બરના રોજ એટલે કે આજના દિવસે અમે ઈ-સરકાર નામનું પોર્ટલ લોન્ચ કરી રહ્યા છીએ. આ પોર્ટલ દ્વારા એક જ પ્લેટફોર્મ પરથી રાજ્ય સરકારની ઘણી સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે. તેનાથી પેપરલેસ કાર્યપદ્ધતિને તો પ્રોત્સાહન મળશે જ પરંતુ, તેનાથી સરકારી કામો ઝડપભેર થઈ શકશે અને લોકોની ફરિયાદોનો પારદર્શિતાથી નિકાલ થઈ શકશે તેમજ સૂચનોનો સ્વીકાર થઈ શકશે.

અટલજીએ આજીવન રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીયતાની આહલેક જગાવી રાખી. તેમના વિચાર, તેમની કવિતાઓ અને તેમના કાર્યો ભવિષ્યની પેઢીઓને પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને દેશભક્તિ માટે પ્રેરિત કરતા રહેશે. ભારત જ નહીં, પરંતુ આખું વિશ્વ તેમને એક આદર્શ જનનેતા, એક શ્રેષ્ઠ વક્તા અને એક મહાન રાષ્ટ્રકવિ તરીકે ચિરકાળ સુધી યાદ રાખશે. આ મહાન વ્યક્તિત્વને ગુજરાતની સાડા છ કરોડની જનતા તરફથી મારા કોટિ-કોટિ પ્રણામ.

(5:42 pm IST)