Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વડોદરા જીલ્લાની યુવતિએ માતાના સહયોગથી દ્રઢ નિશ્ચય કરીને પાયલોટ બનવાનું સ્‍વપ્‍ન પૂર્ણ કર્યુ

અભ્‍યાસ માટે ગુજરાત સરકારની યોજનાનો લાભ મળ્‍યો અને ઉજ્જવળ કારર્કિદી ઘડી

ડભોઈ: અડગ મનના માનવીને હિમાલય નથી નડતો... એ પંક્તિને સાર્થક વડોદરા જિલ્લાની એક યુવતીએ કરી બતાવી છે. વડોદરા જિલ્લાના નાનકડા ગામની રહેવાસી યુવતીએ પોતાનામાં દ્રઢ નિશ્ચય અને આકરી મહેનતથી આકાશમાં ઉડીને બતાવ્યું છે. આ વાત છે વાઘોડિયા તાલુકાના વ્યારા ગામની 28 વર્ષીય ખુશ્બુ પરમારની, જેણે વિમાનનું કોમર્શિયલ લાયસન્સ મેળવી પરિવાર તથા વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું છે. જોકે, આ સફળતા પાછળ ખુશ્બુનુ મોટુ સંઘર્ષ છે.

ખુશ્બુ પરમારે નાનપણથી પોતાના પિતાને ગુમાવ્યા હતા. ત્યાર બાદ તેના મનમાં એક જ ઈચ્છા હતી કે, તે જીવનમાં કંઇક કરી બતાવે. મધ્યમ કુટુંબથી ઉછરેલી ખુશ્બુ પરમારને રાજ્ય સરકારની યોજનાનો સાથ મળતાં તેનુ  પાયલટ બનવાનું સપનુ આખરે સાકાર થયું. આજે આ દીકરી પર પરિવાર તથા સમગ્ર ગુજરાતને ગર્વ છે.

ધોરણ 12 સાયન્સ સુધી મહેનતથી અભ્યાસ બાદ ખુશ્બુએ પાયલટ બનવાનુ મન બનાવી લીધુ હતું. આ માટે ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના તેનું સપનું સાકાર કરવામાં કામે આવી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા, ગુજરાત સરકારની યોજના હેઠળ ખુશ્બુને ૨૪,૭૨,૦૦૦ રૂપિયાની લોન મળતા તેનુ કોચિંગ શરૂ થયું. આખરે ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં આસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી પણ થઈ છે.

ખુશ્બુ પરમારે નાનપણમાં જ પોતાના પિતાનું છત્ર ગુમાવ્યુ હતું. તેથી ઘરની તમામ જવાબદારી તેના માતા પર આવી હતી. પરંતુ જીવનમાં હાર્યા વગર પોતાની દીકરીને પાયલોટ બનાવવાના સપનાને સાકાર કરવા માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરતા. પોતાની દીકરીના આંખના સપનાને ઝાંખુ પડવા દીધું નહિ, જેથી જ આ યુવતીએ આકાશમાં ઉડીને માતાને બતાવ્યું છે.

(5:51 pm IST)