Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

આણંદ જીલ્લાના વાસદના સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું ‘મૃત્‍યુ'નું પ્રવચન આપતી વખતે જ નિધન થતા ભારે શોક

ચાલુ પ્રવચને થયેલા મૃત્‍યુથી અનુયાયીઓમાં આઘાત

આણંદ: મોત ક્યારે એવુ ધીમા પગલે આવે છે કે વ્યક્તિને ખબર પણ પડતી નથી. જાહેરમાં મોત થયાના અનેક કિસ્સા બનતા હોય છે. આજના ટેકનોલોજીના સમયમાં તો તેના વીડિયો પણ સામે આવે છે, જેમા લાઈવ ડેથની આ ઘટના કેમેરામાં કેદ થતી હોય છે. ત્યારે આણંદના એક મહારાજનો ડેથ વીડિયો અત્યંત શોકિંગ છે. આ મહારાજ તેમના અનુયાયીઓને મૃત્યુ વિષય પર પ્રવચન આપી રહ્યા હતા, તે જ દરમિયાન મહારાજ ઢળી પડ્યા હતા, અને તેમનુ મોત થયુ હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.

આણંદ જિલ્લાના વાસદ સ્થિત સત કેવલ સંપ્રદાયના સંત નિર્ભયદાસજી મહારાજનું ચાલુ પ્રવચન દરમિયાન નિધન થયુ છે. સોજીત્રા ખાતે આયોજિત એક સત્સંગ સભામાં સંત નિર્ભયદાસજી મહારાજ મૃત્યુના વિષય પર તેમના અનુયાયીઓને પ્રવચન આપી રહ્યા હતા. ત્યારે ચાલુ પ્રવચન દરમિયાન અચાનક તેઓ ઢળી પડ્યા હતા. આ મોત એટલુ ક્ષણિક હતું કે તેમણે પડતા સમયે ફુલની લટકાવેલી માળાનો સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માળાને અડે તે પહેલા જ તેઓ ઢળી પડ્યા હતા.

પ્રવચન દરમિયાન સંત નિર્ભયદાસજી મહારાજે ‘સત કેવલ સાહેબ’ કહી પ્રવચનની શરૂઆત કી હતી, ત્યારે સભામાં નિર્ભયદાસજી મહારાજ અચાનક ઢળી પડ્યા હતા. તેમના નીચે પડતા જ તેમના અનુયાયીઓએ તેમને સાચવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનુ મોત થયુ હતું. નિર્ભયદાસજી મહારાજનું મૃત્યુ પ્રવચન અને તે દરમિયાન તેમના મૃત્યુની ઘટના મોબાઈલ વીડિયોમાં કેદ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, ચાલુ પ્રવચન થયેલું તેમનું મૃત્યુ તેમના અનુયાયીઓ માટે ભારે આઘાત આપી ગયુ હતું.

(5:53 pm IST)