Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સુરતના વરાછામાં હીરાનો બદલો મારી 4 કરોડની છેતરપિંડી આચરનાર મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેર ના વરાછા અશ્વનીકુમાર રોડ સ્થિત હીરાની પેઢી જી.એન.બ્રધર્સના બે ભાગીદારો વિજયભાઈ ઉર્ફે વી.ડી. ધીરુભાઈ બદરખીયા ( રહે.બી/704, આકૃતિ હાઈટ્સ, મહારાજા ફાર્મ સામે, મોટા વરાછા, સુરત. મૂળ રહે.વિકળીયા, તા.ગઢડા, જી.બોટાદ ) અને જીગ્નેશભાઈ ઉર્ફે કે.કે. માધવભાઈ કાકડીયા ( રહે.સી-1301, સેલિબ્રેશન હોમ, મેઘ મલ્હાર રેસિડન્સી પાસે, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે.રૂપાવટી, તા.ગારીયાધાર, જી.ભાવનગર ) એ જ બે કર્મચારીઓ ગૌતમ હરીભાઇ કાછડીયા ( રહે.118, સાકેતધામ સોસાયટી, લક્ષ્મણ નગર, પુણા ગામ, સુરત. મૂળ રહે.બરવાળા, તા.બાબરા, જી.અમરેલી ) અને પ્રકાશ ઉર્ફે પી.એસ. ભગવાનભાઈ સોજીત્રા ( રહે. ભગવાન નગર, સરથાણા જકાતનાકા, સૂત્ર. મૂળ રહે.રામમઢીયા, જી.બોટાદ ) સાથે મળી હીરાનો બદલો મારી રૂ. 4.03 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાઈ હતી.

કિરણ જેમ્સમાંથી રફ હીરા લાવી પ્રોસેસ કરી જે હીરા પરત આપતા તે હલકી કક્ષાના છે તેવી કિરણ જેમ્સના હેડની ફરિયાદ બાદ જી.એન.બ્રધર્સના ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ ખૂંટે વોચ રાખતા આ ભોપાળું બહાર આવ્યું હતું. તપાસમાં બદલો મારી તેઓ સારી ક્વોલીટીના હીરા ધીરુભાઈ જીવરાજભાઈ બદરખીયા ( રહે.સ્નેહસાગર સોસાયટી, ગ્રીનપાર્ક સોસાયટીની સામે,કતારગામ, સુરત. મૂળ રહે.વિકળીયા, તા.ગઢડા, જી.બોટાદ ) અને બિપીનભાઈ ઉર્ફે બટ્ટ તળાવીયા ( રહે.404, યમુના પેલેસ, ઈ બિલ્ડીંગ, કૃષ્ણ ટાઉનશીપ પાસે, મોટા વરાછા, સુરત ) ને વેચવા માટે આપતા હોવાની અને તેઓ બદલો મારવા હલકી કક્ષાના હીરા પણ તેઓ જ આપતા હોવાનું બહાર આવતા પોલીસે તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.

(6:26 pm IST)