Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં વેપારી પાસે છરીની અણીએ 10 હજાર ટ્રાન્સફર કરાવી લૂંટારુઓ ફરાર એલિસબ્રિજ પોલીસે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ઘરે જઈ રહેલા વેપારીની આંખમાં મરચાનો પાવડર નાખી ત્રણ લૂંટારુંઓએ લૂંટનો પ્રયાસ કરવાની ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી.આસપાસના લોકો ભેગા થઇ જતા લૂંટારૂઓ ભાગી ગયા હતા. જેમાં એક લૂંટારૂને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો હતો. જ્યારે બે લુટારુઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.લૂંટનો બીજો કિસ્સો એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો હતો.ત્રણ જણાએ યુવકને છરી બતાવીને ઓનલાઈન રૂપિયા 10 હજાર ટ્રાન્સફર કરાવીને ફરાર થઈ ગયા હતા.આ મામલે એલિસબ્રિજ પોલીસે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરનાઇન્દિરાબ્રિજ વિસ્તારમાં આવેલી કૃષ્ણધામ સોસાયટીમા યોગેશભાઈ નાગપાલ તેમના પરિવાર સાથે રહે છે. યોગેશભાઈ કાલુપુર વિસ્તારમાં ડ્રાયફ્રુટની દુકાન ધરાવે છે. તેઓ ગુરુવારે રાત્રે દસેક વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને આખા દિવસના વેપારના થયેલા આશરે 35 હજાર બેગમાં મૂકી અને તેઓ એકટીવા લઇ ઘરે પરત ફરતા હતા.

શાહીબાગ તેરાપંથ ભવનથી રાજસ્થાન હોસ્પિટલ થઈ અને જૈન કોલોની પાસે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે એક બાઈક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા. બાઈક આગળ ઉભુ રાખીને એક વ્યક્તિએ યોગેશભાઈની બેગ લૂટવાની કોશિષ કરી હતી. પરંતુ તેઓએ પકડી રાખતા અન્ય વ્યક્તિએ તેમની આંખમાં મરચાનો પાવડર નાખ્યો હતો. યોગેશભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને બાઇક મૂકી ત્રણેય લૂંટારુઓ ભાગ્યા હતા.

યોગેશભાઈ પણ લૂંટારુઓની પાછળ ભાગતા એક ઝડપાઈ ગયો હતો. લોકોએ પોલીસને જાણ કરતાં શાહીબાગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ રફીકખાન મોઇલા (રહે રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. શાહીબાગ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય લૂંટના કિસ્સામાં પાલડી વિસ્તારમાં ફેઝાન એપાર્ટમેન્ટમાં મહંમદમાઝ રહે છે. LD એન્જિનિયરિંગ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા મહોમંદમાઝ બપોરના સમયે પ્રીતમ નગર ઢાળ પાસે સાઇડમાં એકટીવા ઊભુ રાખીને મોબાઈલમાં મેસેજ ટાઈપ કરી રહ્યો હતો.એક અજાણ્યો વ્યક્તિ તેની પાસે આવી અને પૂછવા લાગ્યો હતો કે તું મોબાઇલમાં શું કરે છે.

જેથી તે હું અજાણી વ્યક્તિ સાથે વાત નથી કરતો તેમ કહી એકટીવા લઇ આગળ જતો રહ્યો હતો. દરમિયાનમાં પાછળથી અજાણી વ્યક્તિ અને અન્ય બે વ્યક્તિ વાહન ઉપર આવ્યા હતા અને છરી બતાવી તારા બેંકમાં કેટલા રૂપિયા છે તેમ પૂછ્યું હતું.

જેથી તેણે ખાતામાં 6 હજાર રૂપિયા હોવાનું જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિઓએ આ છ હજાર રૂપિયા ઓનલાઈન ગૂગલ પેથી તેમણે આપેલા નંબર ઉપર ટ્રાન્સફર કરાવ્યા હતા.બાદમાં બીજા ચાર હજાર રૂપિયાની જરૂર હોવાથી મહોમંદમાઝએ તેના મિત્રને તેની માતા હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે તેમ કહી 4 હજાર રૂપિયા મંગાવ્યા હતા અને લૂંટારુઓના આપેલા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આમ કુલ દસ હજાર રૂપિયા લૂંટારૂઓના કહેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. બીજા દિવસે તેના મિત્રે પૈસાની વાત કરતા યુવકે સમગ્ર હકીકત જણાવી હતી અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(6:45 pm IST)