Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

દેશને કાપડક્ષેત્રનું હબ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં અગ્રેસર રહેવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સુરત ખાતે આગામી ૨૯ ડિસેમ્બરે “વીવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ્સ” એક દિવસીય પ્રી-ઈવેન્ટ યોજાશે:સમિટનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે: રાજ્યકક્ષાના કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ગુજરાતના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ : દેશને કાપડક્ષેત્રનું હબ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં અગ્રેસર રહેવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ટેકનોલોજીની બાબતમાં મહત્ત્વના ફેરફારોમાંથી પસાર થઈ રહેલું કાપડ ક્ષેત્ર વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત સ્વપ્ન કરવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. નિકાસને પ્રોત્સાહન તથા રોજગારી નિર્માણમાં કાપડ ક્ષેત્રની વ્યાપક ભૂમિકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાનશ્રીના આ વિઝનને આગળ લઈ જઈ રહ્યા છે જેથી રાજ્ય સરકાર તરફથી કાપડ ઉદ્યોગને જરૂરી મદદ મળી શકે અને તે વિકાસ કરી શકે.

સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર આ એક દિવસીય પ્રિ-ઈવેન્ટ સમિટનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરાશે આ પ્રસંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાતના રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ સી.આર. પાટીલ, મંત્રી મંડળના સભ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2022 પહેલાં 29 ડિસેમ્બર, 2021ના રોજ યોજાઈ રહેલી પ્રી-ઈવેન્ટ સમિટમાં “વીવિંગ ગ્રોથ ફૉર ટેક્સટાઇલ્સ” દરમિયાન કાપડ તથા તૈયાર વસ્ત્રનાં ક્ષેત્રોને વધુ પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ સમિટ કાપડ ઉત્પાદકો, વિતરકો તથા સંશોધકોને વિચારોની આપ-લે કરવાનું તથા શ્રેષ્ઠ વૈશ્વિક કામગીરીની ઓળખ કરવા માટેનો મંચ પૂરો પાડશે, તેના દ્વારા સહકાર માટેની વધુ સારી તકો સર્જાશે. સેમિનારમાં મહત્ત્વના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે જેમાં - પીએમ મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ પાર્ક, (PM METRA) અને પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન (PLI) યોજનાઓનો લાભ લેવો, માનવ સર્જિત ફાયબર ક્ષેત્ર, વસ્ત્રો અને ટેકનિકલ ટેક્સટાઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવું વગેરેનો સમાવેશ થાય છે. ટેકનિકલ ટેક્સટાઈલ એ નવા યુગનું ટેક્સટાઇલ છે જેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, સલામતી, ઑટો મોબાઈલ તથા ઉડ્ડયન જેવાં ક્ષેત્રોમાં થાય છે.
ઈવેન્ટ દરમિયાન કાપડ ક્ષેત્રને નવો ઓપ આપવા નીતિલક્ષી પહેલ, વૈશ્વિક સોર્સિંગ હબ તરીકે ભારતીય કાપડ ઉદ્યોગ તથા કાપડ ક્ષેત્રમાં ભાવિ મૂલ્યવર્ધન જેવા વિષયો ઉપર વિવિધ સત્રમાં ચર્ચા થશે.
ગુજરાત સરકારની ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) આ ઈવેન્ટ માટે નોડલ એજન્સી છે, જ્યારે એસોચેમ એ આ ઈવેન્ટ માટે રાષ્ટ્રીય સ્તરે ભાગીદાર છે. ઈવેન્ટ દરમિયાન ભારતના નીતિ નિર્ધારકો, નિર્ણય લેનાર ચાવીરૂપ અધિકારીઓ તથા ઉદ્યોગો તેમજ સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે.

(7:16 pm IST)