Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

જીઆઈડીસીની કંપનીમાં બોઈલર ફાટતાં ચારનાં મોત

મકરપુરા GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં ધડાકો થયો : મકરપુરામાં જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટને પગલે દોડધામ, બાળકો સહિત ૧૪ જેટલા કામદારો ઈજાગ્રસ્ત

વડોદરા , તા.૨૪ : શહેરના મકરપુરા વિસ્તારમાં જીઆઈડીસીની એક કંપનીમાં બોઈલર ફાટતાં ૪ કામદારોના મોત થયા છે, જ્યારે ૧૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરાની જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં શુક્રવારે સવારે બોઇલર ફાટતા જોરદાર ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં બોઈલરની નીચે દબાઇ જતા ચાર કામદારના મોત થયા છે. જ્યારે બાળકો સહિત ૧૪ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રની સહિત ૪નાં મોત થયા છે. જ્યારે બાળકો સહિત ૧૪ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. શુક્રવારે સવારે વસાહતની નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો મુજબ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડના માલિકની બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (જીએફએલ) યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં કુલ ૭ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટમાં શોધખોળ દરમિયાન ગત ગુરુવારે આ ઘટનામાં પાંચ કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. બ્લાસ્ટની ઘટના બાદ કુલ સાત લોકો ગુમ થયા હતા. ત્યારબાદ શોધખોળ દરમિયાન પહેલા પાંચ અને બીજા દિવસે વધુ ૨ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો હતો.

(7:35 pm IST)