Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

બ્રાન્ડેડ કંપની છેતરપિંડી કરે તો આપણને ખબર પડતી નથી:હવે છેતરપીંડી ઘટશે : સી.આર.પાટીલ

રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કાર્યક્રમમાં મંત્રી નરેશ પટેલે કહ્યું કે, ગ્રાહકને પરમેશ્વરનાં રુપમાં જોશો તો વેપારીને ખૂબ ઉપયોગી બનશે

સુરત :દક્ષિણ ગુજરાતના નવસારીમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. જેમાં  ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનાં વડપણ હેઠળના કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કક્ષાના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કેટલાક વ્યાપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે એ પણ દર્શાવાયું હતું. આ ઉપરાંત ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે એ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી

રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કાર્યક્રમમાં મંત્રી નરેશ પટેલે સંબોધનમાં કહ્યું કે, ગ્રાહકને પરમેશ્વરનાં રુપમાં જોશો તો વેપારીને ખૂબ ઉપયોગી બનશે. તો ગ્રાહકને કહ્યું કે, કોઈ દુકાનદાર બનાવી જાય તો ફરીયાદ કરો. અહીં ઓનલાઈન ફરિયાદ કરી શકો તેવી વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારની, ગ્રાહક માટે ઓનલાઈન સુવિધા છે. અને રાજ્ય ન સાંભળે તો રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ કરો.ત્યાં પણ તમારી ફરિયાદને દાદ ના મળે તો અને એ પણ ન સાંભળે તો સુપ્રીમ કોર્ટમાં જજો. ગુજરાતના કૂપોષણ અંગે ચિંતિત મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં કુપોષિતની સંખ્યા વધારે છે. એટલે સસ્તા અનાજની દુકાનમાં અનાજ વધારવાની જરૂર છે.

કાર્યક્રમના અધ્યક્ષ પદે રહેલા ભાજ્પાધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે, સુરતમાં લોટ વાળા ખૂબ નામ હતું તેમને લોટમાં છેતરપિંડી બદલ 1 વર્ષ ની સજા થઈ હતી. આમ પણ બ્રાન્ડેડ કંપની છેતરપિંડી કરે તો આપણાને ખબર પડતી નથી. એક ઉદાહરણમાં પાટીલે કહ્યું કે, પહેલા બાળક પણ સોનુ લેવા જતુ તો પણ છેતરતા ન હતા. આજે છેતરપિંડીમાં ખૂબ ઝીણા અક્ષરે લખવામાં આવે છે. જે સિગારેટની કંપનીઓ કરે છે. દુકાનોમાં ઇલક્ટ્રોનિક કાંટાથી છેતરપીંડી ઓછી થઈ છે તો હવે પેટ્રોલ પંપ વાળાઆવું કરતા થઇ ગયા છે. પાટીલે ઉમેર્યું કે, જમવાની વસ્તુમાં ભેળસેળ આરોગ્ય સામે ખતરો મંડરાય છે .અને જ્યારે કોરોના વધી રહ્યો છે એટલે સ્વચ્છતા અને ખોરાકની કાળજી રાખવી હિતાવહ છે. આવનાર દિવસોમાં છેતરપિંડી ઓછી થશે,પણ તમારે પણ તમારા અધિકારનો પણ ઉપયોગ કરવો પડશે

(10:24 pm IST)