Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને 10 લાખ રૂપિયા રોકડા આપી ગ્રામજનોએ પ્રોત્સાહિત કરીને સન્માન કર્યું

સમાજના આગેવાનો દ્વારા એક કલાકમાં રૂપિયા ભેગા કર્યા : સુઈગામ તાલુકાના માસાલી માધાપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ અનેરા દ્રશ્યો જોવાયા

ચૂંટણીમાં ઉમેદવાર હારી ગયો હોવા છતાં પણ ગામના લોકોએ 10 લાખ રૂપિયા રકમ આપીને હારેલા ઉમેદવારનું સન્માન કર્યું હતું. 

બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકાના માસાલી માધાપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્પેશ ચૌધરી નામના ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી. અલ્પેશ ચૌધરી દ્વારા પીઢ નેતા અને અનુભવી ભાજપના અગ્રણી માંગીરામ રાવલ સામે ઉમેદવારી કરી હતી, ચૂંટણીની મત ગણતરીમાં પરિણામ સામે આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, મંગીરામ રાવલને 755 મત મળ્યા હતા અને અલ્પેશ ચૌધરી નામના યુવકને 699 મત મળ્યા હતા. 56 વોટથી અલ્પેશની મંગીરામ સામે હાર થઇ હતી. ત્યારે માધાપુરા ગામના લોકોએ હારી જીતેલા ઉમેદવારનું નહીં પણ હારી ગયેલા ઉમેદવારનું સન્માન રોકડ રકમ આપીને કરવામાં આવ્યું હતું. ગામના લોકો દ્વારા 10 લાખ રૂપિયાની રોકડ રમકનું પ્રોત્સાહન આપીને હારેલા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

21 વર્ષનો યુવક અલ્પેશ ચૌધરી આર્થિક રીતે તૂટી ન જાય અને હારી જતા આ યુવક નાસીપાત ન થયા એટલા માટે સમાજના આગેવાનો દ્વારા તેનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. આ યુવકને ચૂંટણીમાં જેટલો ખર્ચ થયો હતો તે તમામ ખર્ચની રકમ સમાજના આગેવાનો દ્વારા એક કલાકના સમયમાં ભેગી કરીને યુવકને પ્રોત્સાહના ભાગ રૂપે આપી હતી. ગામના લોકો અને સમાજના આગેવાનો દ્વારા આ યુવકના આર્થિક વળતર આપીને સન્માન કરતા યુવક દ્વારા ગામના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.

(10:29 pm IST)