Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ગ્રાહક દિવસે ગ્રાહક સંસ્થાઓએ સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું : નેત્ર નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો

કોલેજ અને NSSના વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન તથા આઇ કેમ્પમાં સહભાગી બન્યા

ગાંધીનગર:રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ભારત તેમજ ગુજરાત સરકાર સહિત વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ગ્રાહકોમાં તેમના અધિકાર અંગે જાગૃતિ ફેલાવવા અંગેના કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારે અવારનવાર ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમો યોજતા ગ્રાહક ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિ તથા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ અંગે ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ તથા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે હોસ્પિટલોની બલ્ડ બેંકોમાં બ્લડનો સ્ટોક મર્યાદિત અને ખુબજ ઓછો છે. આથી જરૂરીયાતવાળા દર્દીઓને સમયસર બ્લડ મળતુ નથી. જાન જોખમમાં આવે છે.

આવી કફોડી પરિસ્થિતિમાં માનવતા માટે નાગરીકોને જાગૃત થઇને તેમજ સામાજીક જવાબદારીના ભાગરૂપે અમે દર્દીઓને સમયસર બ્લડ મળે તે ધ્યાને લઇને આજે 24 ડીસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આશ્રમ રોડ સ્થિત બાટા શોરૂમ સામે નિર્માણ હાઉસ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલના ડૉકટરોની ટીમની દેખરેખમાં બ્લડ ડોનેશન તથા આઇ કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ તથા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ મુકેશ પરીખે વધુમાં જણાવે છે કે, કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓએ પણ સમય ફાળવી બ્લડ ડોનેશન તથા આઇ કેમ્પમાં સહભાગી બન્યા હતા. નિઃશુલ્ક નેત્ર નિદાનમાં ડો. સર્જક શાહ તથા ડો. મિલનની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરત મુજબ આંખોના ટીપા આપવામાં આવ્યા હતા.

જે દર્દીને આંખોની ગંભીર બીમારી છે તેઓને હોસ્પિટલમાં જઇ સારવાર કરાવવાની સલાહ-સૂચન કર્યા હતા. નિઃશુલક નેત્ર નિદાનમાં મોટી સંખ્યામાં નાગરીકો સેવાનો લાભ લીધો હતો. તેમજ બ્લડ ડોનેશનમાં પણ લોકોએ ભાગ લઇ બ્લડનું દાન કરી અનેક લોકોના જીવન સુરક્ષિત કર્યા છે.

અમારા દ્વારા ગ્રાહક સુરક્ષા સંસ્થાઓના માધ્યમથી જનહીત અને સમાજ સેવાના રચનાત્મક અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે.

(1:09 am IST)