Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં નશાના બંધાણી યુવાનોને શોધી ડ્રગ્સનો કારોબાર કરતા બે કાશ્મીરીઓ ઝડપાયા

સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ પર મોડીરાત્રે ચરસ વેચતા બે કાશ્મીરી શખ્સને સરખેજ પોલીસે પકડી જેલ હવાલે કર્યા

અમદાવાદના સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ પર મોડીરાત્રે નશો કરતા યુવકો સુધી ચરસ વેચતા બે કાશ્મીરી શખ્સને સરખેજ પોલીસે જેલ હવાલે કરી દીધા છે. આ આરોપીઓ પાર્ટી પ્લોટમાં યુવાનોને શોધી તેઓને ડ્રગ્સ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સરખેજ પોલીસ સ્ટેશનના PI એસ.જી. દેસાઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, મકરબા પાસેથી બે લોકો ચરસનો જથ્થો ક્યાંક ડિલિવરી કરવા જઈ રહ્યા છે. સરખેજ પોલીસની ટીમે વોચ ગોઠવી આરોપી ફારૂક અહમદ કોશી અને બિલાલ અહમદ પુશવાલની ધરપકડ કરી છે. આ બને શખ્સો મૂળ કાશ્મિરના રહેવાસી છે. તેઓ 5-6 મહિનાથી અહીં રહી અને દિવસે પાર્ટી પ્લોટમાં કેટરિંગનું કામ કરતા હતા. આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ મળી આવ્યું છે. આ બંને કાશ્મીરથી જ લાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ઝોન- 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આરોપીઓ સિંધુભવન રોડ પર યુવાનો કે યુવતીઓ કે જે નશાના બંધાણી હોય તેને સપ્લાય કરતા હતા. આરોપીઓ છ માસથી અહીં રહે છે. કોઈને નશાનો કારોબાર ચલાવતા હોવાની ગંધ ન આવે તે માટે તેઓ કેટરિંગનું કામ કરતા હતા. જે-જે પાર્ટી પ્લોટમાં કામ કરે ત્યાં કોઈ આવો નશો કરવાવાળી વ્યક્તિ મળે તો તેને પણ આ ચરસ આપતા હોવાનું સામે આવ્યું છે. પણ મુખ્યત્વે તો એસજી હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાતી પાર્ટીઓમાં જ ચરસ આપ્યું હોવાનું સામે આવ્યું છે.

(1:14 am IST)