Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કચ્છ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષામાં કુલ ૧૬૪૬૮ ઉમેદવારો પૈકી ૬૨૬૯ ઉમેદવારોએ પરીક્ષા આપી

. જિલ્લામાં કુલ- ૪૭ પરીક્ષા કેન્દ્રોમાં યોજાઈ : ૧૦૧૯૯ ઉમેદવાર ગેરહાજર રહ્યા

અમદાવાદ :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની જાહેર પરીક્ષા તા.૨૪-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક સુધી કચ્છ જિલ્લામાં યોજાઈ હતી. ભુજ, અંજાર અને આદિપુર ખાતે આવેલ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. જિલ્લામાં કુલ- ૪૭ પરીક્ષા કેન્દ્રોમાં કુલ- ૧૬૪૬૮ ઉમેદવારો નોંધાયેલા હતા જે પૈકી ૬૨૬૯ ઉમેદવારોએ પરીક્ષા આપી, જ્યારે ૧૦૧૯૯ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.

કલેકટર પ્રવિણા ડી. કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર ઉપર સી.સી.ટી.વી. કેમેરા, ઉમેદવારો માટે જુદા જુદા સ્થળેથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવામાં સરળતા રહે તે માટે બસની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત પરીક્ષા દરમિયાન વિજપુરવઠો ખોરવાઇ નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ પોલીસ અને આરોગ્યની ટીમ સહિત સંબંધિત અધિકારીઓને સુચારૂ વ્યવસ્થા સોંપવામાં આવી હતી.
વધુમાં પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેઝેટસ, ડીજીટલ કે સ્માર્ટ ઉપકરણો કેલક્યુલેટર/સેલ્યુલર/ મોબાઇલ અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ કરવા કે લઇ જવાની મનાઇ ફરમાવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ અને તમામ પ્રાંત અધિકારીઓ, રાજ્ય સરકારના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ, તેમજ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીના સ્થળ સંચાલકો એ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોઇ પણ પરીક્ષાર્થી કે કર્મચારીગણ મોબાઇલ કે સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ સાથે પરીક્ષાસ્થળે ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખી હતી. કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થવાથી જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિએ જીલ્લા વહીવટી તંત્ર તરફથી સૌ અધિકારી/કર્મચારી ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

(9:03 pm IST)