Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગુજરાત હાઇકોર્ટમાં નવા પાંચ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે નિયુક્તિ :પી.જી.હોતવાણીને બઢતી અપાઈ

ચીફ જસ્ટિસ દ્વારા પાંચ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર/કોર્ટ માસ્ટરને બઢતી આપી ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે પ્રમોશન અપાયું

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પાંચ નવા ડેપ્યુટી રજિસ્ટ્રારની નિયુકિત કરવામાં આવી છે. આ નિયુકિત બઢતી મારફતે પ્રમોશનથી કરવામાં આવી છે. જેમાં પી.જી.હોતવાણી સહિત પાંચ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર/કોર્ટ માસ્ટરનો સમાવેશ થાય છે કે જેઓને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. પી.જી.હોતવાણી સહિતના પાંચ નવા ડેપ્યુટી રજિસ્ટ્રારને હાઇકોર્ટ પદાધિકારીઓ તેમ જ કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા. 

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમાર દ્વારા ભારતીય બંધારણની કલમ-229 હેઠળની સત્તાનો ઉપયોગ કરીને તેમ જ હાઇકોર્ટ ઓફ ગુજરાત (રિક્રુટમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ ઓફ ઓફિસર્સ એન્ડ સ્ટાફ) રૂલ્સ-2011ના રૂલ – 4 અને 6 અન્વયે મેરિટ કમ સિનિયોરીટીના ધોરણે હાઇકોર્ટના પાંચ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર/કોર્ટ માસ્ટરને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે બઢતી આપી મહત્વની નિમણૂંક આપવામાં આવી છે.ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે બઢતી પામનાર પાંચ પદાધિકારીઓમાં પી.જી.હોતવાણી, સુશ્રી શીલા વિજય, આર.એસ.હરપાલે,  કે.એ.બુખારી અને જે.કે.ધિલ્લોનનો સમાવેશ થાય છે.   

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ઉપરોકત પદાધિકારીઓની પસંદગી કરતાં પહેલાં જરૂરી પ્રક્રિયાનું અનુસરણ કર્યું હતું.જેમાં સૌ પ્રથમ તબક્કામાં 25 ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી,જેમાં પાસ થયેલા આઠ ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજાઇ હતી અને તેમાંથી આખરે જરૂરી યોગ્યતા અને પાત્રતા ધરાવતાં પાંચ ઉમેદવારોને મેરિટ કમ સિનિયોરિટીના ધોરણે ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે મહત્વની બઢતી આપવામાં આવી હતી. પી.જી. હોતવાણી સહિત પાંચેય પદાધિકારીઓને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે બઢતી/પ્રમોશન મેળવવા બદલ હાઇકોર્ટના અન્ય પદાધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ, સ્ટાફ અને વકીલઆલમ દ્વારા શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

(11:48 pm IST)