Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અમદાવાદના પોશ વિસ્તારમાં બે કાર ચાલકો વચ્ચે ઝઘડામાં ગાર્ડને ગંભીર ઇજા : કેમ ઝઘડો છો? એવું પુછાતા પેટમાં હથિયાર મારી દીધું !

માર મારીને બંને કાર ચાલકો ફરાર : ઈજાગ્રસ્ત ગાર્ડને હોસ્પિટલે ખસેડાયા

અમદાવાદઃ  સેટેલાઈટ  વિસ્તારમાં  બે કાર ચાલક ઝઘડો  કરી રહ્યા હતા. અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડીને માત્ર એટલું જ કહ્યું કે કેમ ઝઘડો છો. જો કે બદલામાં એક કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી અને પેટના ભાગે હથિયાર મારી દેતા ઇજાગ્રસ્ત ગાર્ડને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને શીતલ વર્ષા કોમ્પલેક્ષમાં આવેલ એચ સી સી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદીપસિંહ પરિહાર ગઇકાલે રાત્રીના 8 વાગ્યાથી નોકરી પર હતા. તે દરમિયાન અગિયાર વાગ્યાની આસપાસ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ટિફિન લેવા માટે ગયા હતા.

આ દરમિયાન બે કાર ચાલક ગાડી નીકળવા તેમજ બહાર કાઢવાની બાબતને લઈને અંદરો અંદર બોલાચાલી કરી રહ્યા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડ ત્યાં પહોંચ્યો હતો. અને કેમ ઝઘડો છો તેમ કહેતા જ પોલો કંપનીની બ્લુ કલરની કારમાંથી બે લોકો તેની પાસે આવ્યા હતા.

કહ્યું હતું કે તુમ યહાં સિક્યુરિટી ગાર્ડ હો તો તુમ્હારા કામ હમારી ગાડી પાર્ક કરવાના હૈ. જેથી સિક્યુરિટી ગાર્ડે તેઓને કહેલ કે તેની નોકરી ત્રીજા માળ પર આવેલ એચ સી સી હોસ્પિટલમાં છે. જેથી કાર ચાલકે તો શું થઈ ગયું સિક્યુરિટી ગાર્ડ તો છે ને તેમ કહીને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.

જો કે સિક્યુરિટી ગાર્ડએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાઈ ગયેલ એક આરોપી એ સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી હતી. જ્યારે બીજા આરોપીએ તેને પેટના ભાગે ધારદાર હથિયાર મારી દીધું હતું. અને બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જો કે ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

(12:00 am IST)