Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વડોદરા સેન્ટ્રલ જેલમાં બે કેદીઓએ કર્યો હવાલદાર પર હુમલો

બેરેકમાં જવાનું કહેતા કેદીઓ ઉશ્કેરાઈ જઈને હવાલદારને ધાક-ધમકી આપી અને અપશબ્દો કહી તેનો કોલર પકડી લીધો : બંને કેદીઓ સામે ફરિયાદ

વડોદરા સેન્ટ્રલ જેલના બે કેદીઓએ ગત સાંજે હવાલદાર પર હુમલો કરી ઇજા પહોંચાડતા બે કેદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગત સાંજે જેલ બંદી સમયે યાર્ડ નંબર 12ના મેઇનગેટ પાસે ઉભેલા હવાલદાર વિજયસિંહ ઠાકોરે કેદીઓને બેરેકમાં જવા માટે કહ્યું હતું. આ દરમિયાન કાચા કામનો આરોપી અભિજીત ઉર્ફે અભી આનંદ ઝા ઉશ્કેરાઇ ગયો હતો અને મોટેથી બોલવા લાગ્યો કે "તું મને બંધ થવાનું કહેનાર કોણ છે, તું નવો આવેલો છે અને હું મારી મરજીથી મારી બેરેકમાં બંધ થઇશ." સાથે જ તેણે હવાલદારને ધાક-ધમકી આપી અને અપશબ્દો કહી તેનો કોલર પકડી લીધો હતો.

આ દરમિયાન અન્ય એક પાસાની અટકાયતમાં રહેલા કેદી ભાઉ સાહેબ ઉર્ફે લોખંડિયા ઇશી દોડી આવ્યો હતો અને તેણે હવાલદાર વિજયસિંહના માથાના વાળ પકડી લીધા હતા. સાથે કેદી અભિજીતે હવાલદારને ધક્કો માર્યો હતો. જેથી હવાલદાર દિવાલ સાથે અથડાતા તેને જમણા હાથે ઇજાઓ થઇ હતી.
આ મામલે બંને કેદીઓ સામે હવાલદાર પર હુમલો કરવા અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

(12:15 am IST)