Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગુજરાતની ચૂંટણી નિયત સમયે : પક્ષનો ચહેરો હશે ભૂપેન્‍દ્ર પટેલ

વડાપ્રધાન મોદીએ તાજેતરની પોતાની ગુજરાત મુલાકાત દરમ્‍યાન વરિષ્‍ઠોને આપ્‍યો સંદેશ : પટેલ અસ્‍થાયી મુખ્‍યમંત્રી નથી : પીએમએ તેમને બીરદાવ્‍યા : પત્ર લખી કામની પ્રશંસા પણ કરી : સરકાર ટનાટન ચાલે છે

નવી દિલ્‍હી,તા. ૨૫: આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ ભાજપનો ચહેરો હશે. વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગયા અઠવાડિયે રાજયની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના સભ્‍યોને આ સંદેશ આપ્‍યો હતો.

મોદીએ એ પણ સ્‍પષ્ટ કર્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયપત્રક મુજબ જ યોજાશે અને તે વહેલી યોજાય તેવી કોઈ શક્‍યતા નથી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્‍યું કે પીએમ ઘણા મંત્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓને મળ્‍યા અને તેમને કહ્યું કે ચૂંટણીની તૈયારી શરૂ કરો. તેમણે સ્‍પષ્ટ કર્યું કે ભૂપેન્‍દ્ર પટેલ ચૂંટણી માટે પાર્ટીનો ચહેરો હશે.

આનાથી મુખ્‍યમંત્રીના ભાવિ અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું છે, એમ નેતાએ જણાવ્‍યું હતું. તાજેતરમાં, પીએમ મોદીએ ભૂપેન્‍દ્રભાઇ પટેલની અનેક અવસરો પર જાહેરમાં પ્રશંસા કરી હતી અને તેમની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી. મોદીએ પટેલને પત્ર લખીને તેમના કામની પ્રશંસા પણ કરી હતી. પીએમ મોદી દ્વારા ગુજરાતના કોઈપણ મુખ્‍યમંત્રીને લખવામાં આવેલ આ પ્રકારનો આ પ્રથમ પત્ર છે.

પક્ષ જનતાને એવો સંદેશ પણ આપવા માંગે છે કે સરકાર સારી રીતે કામ કરી રહી છે, એમ સૂત્રએ ઉમેર્યું. લગભગ છ મહિના પહેલા અચાનક રૂપાણી સરકાર બદલાયા બાદ નવી સરકાર માત્ર સ્‍ટોપ-ગેપ ગોઠવણ છે તેવી વાતો વહેતી થઈ હતી. રૂપાણીના કાર્યકાળ દરમિયાન ભાજપની છબીને આંચકો લાગ્‍યો હતો અને હાઇકમાન્‍ડે મતદારોમાં ભાજપની અપીલના વધુ ધોવાણને રોકવા માટે કડક પગલું ભર્યું હતું.

(11:12 am IST)