Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ડયૂટી ફ્રી સોનાની તંગીને લીધે દાગીનાની નિકાસ પર અસર : કેટલાક ઓર્ડર રદ કરાયા

વિદેશના ઓર્ડર પૂરા કરવા નિકાસકારો બજારમાંથી ઊંચી કિંમતે સોનું ખરીદવા મજબૂર : એજન્‍સી દ્વારા ૨૦ દિવસથી સોનાની સપ્‍લાય બંધ કરાતા નિકાસકારોની હાલત કફોડી

સુરત, તા.૨૫: એકતરફ રફ હીરાની ખેંચ વર્તાઇ રહી છે, ત્‍યારે બીજી બાજુ સુરતના ઉદ્યોગકારોને ડયૂટી ફ્રી ગોલ્‍ડ સપ્‍લાય કરતી એજન્‍સી દ્વારા ૧૫-૨૦ દિવસથી સોનાનો સપ્‍લાય બંધ કરાતા જવેલરી એક્‍સપોર્ટર્સની હાલત કફોડી થઇ છે. વિદેશથી મળેલા ઓર્ડર સમય પર પૂરા કરવા માટે નિકાસકારો બજારમાંથી ઊંચી કિંમતે ગોલ્‍ડ લઇ જવેલરી બનાવી રહ્યા છે. કેટલાકને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. જવેલરી ઇન્‍ડસ્‍ટ્રીનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં આશરે ૨૦૦ જેટલા જવેલરી મેન્‍યુફેક્‍ચરર્સ છે અને ૧૦૦ જેટલા મેન્‍યુફેક્‍ચરર્સ નિયમિત વિદેશોમાં જવેલરી એક્‍સપોર્ટ કરે છે. નિકાસ વધારવા કેન્‍દ્ર દ્વારા જવેલરી મેન્‍યુફેક્‍ચરર્સને ડયૂટી ફરી ગોલ્‍ડ મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે. જે હેઠળ સુરતમાં એજન્‍સી દ્વારા જવેલરી મેન્‍યુફેક્‍ચરર્સને ગોલ્‍ડ પર લાગુ ૭.૫ ટકા ડયૂટી વગર ગોલ્‍ડનો સપ્‍લાય કરાય છે. એજન્‍સી પાસેથી ગોલ્‍ડ ખરીદી જો જવેલરી મેન્‍યુફેક્‍ચર ૯૦ દિવસમાં જવેલરી તૈયાર કરી એક્‍સપોર્ટ કરે તો તેને ડયૂટી રિબેટ મળી જાય છે. છેલ્લા ૧૫-૨૦ દિવસથી કેટલાક કારણોસર એજન્‍સીએ જવેલર્સને ગોલ્‍ડ આપવાનું બંધ કર્યુ છે.

એજન્‍સી દ્વારા સપ્‍લાય બંધ કરી દેવાતા મુશ્‍કેલી ઊભી થઇ છે. સ્‍થાનિય બજારમાંથી ગોલ્‍ડ ખરીદીને ઓર્ડર તૈયાર કરવો પડે છે, પરંતુ ઇમ્‍પોર્ટ ડયૂટી રિબેટ નહીં મળતા જવેલરીની પડતર ઊંચી થતાં જવેલર્સનો નફો ધોવાઇ ગયો છે. જો આ પરિસ્‍થિતિ યથાવત રહી તો જવેલરી મેન્‍યુફેક્‍ચરર્સ માટે મુશ્‍કેલી ઊભી થશે. ડાયમંડ જવેલરી એસો.ના પ્રમુખ.

(11:11 am IST)