Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વડાપ્રધાને મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરી : અમુકને ખખડાવ્‍યા ?

એક પછી એક મંત્રીને બોલાવીને કામ અંગે પૂછપરછ કરતા મંત્રી મંડળમાં સોપો : સંભવિત અસર અંગે ચર્ચાW

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, રપ :  તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવ્‍યા હતા. આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. ગુજરાતની ૧૮ર વિધાનસભાની બેઠકો માટે ડિસેમ્‍બર સુધીમાં ગમે ત્‍યારે ચૂંટણી આવી જાય તેવા સંકેતો રાજકીય નેતાઓની ગુજરાત અવર-જવર ઉપરથી સ્‍પષ્‍ટ દેખાય છે.

તાજેતરની વડાપ્રધાનની આ મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ઉગ્ર ચર્ચાનો મુદ્દો ઉપસ્‍થિત થયો છે. વડાપ્રધાને પોતાની આ મુલાકાત દરમ્‍યાન ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને મંત્રી મંડળના કેટલાક સભ્‍યો સાથે એક પછી એકને બોલાવ્‍યા હતા.

આ મંત્રીઓ પાસે વડાપ્રધાને એકાંતની મુલાકાતોનો દોર શરૂ કર્યો હતો. આ દોરમાં વડાપ્રધાને ગુજરાતની વર્તમાન પરિસ્‍થિતિ અંગે વિસ્‍તૃત ચર્ચા-પરામર્શ કરી હોવાની વિગતો બહાર આવી છે. અમો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મંત્રીઓને કડક ભાષામાં વહીવટી તંત્રની બાબતોને લઇ તાકીદ કરી ખખડાવ્‍યા હોવાની વિગતો જાણવા મળી છે.

વર્તમાન મંત્રીમંડળમાં જે મંત્રીઓની વહીવટી પકકડ નથી તેવા મંત્રીઓને ભારે શબ્‍દોમાં લાલ આંખ કરી જણાવ્‍યું છે કે નિષ્‍ઠાથી કાર્ય કરો અને પ્રજાના પ્રજાકીય કાર્યો પ્રત્‍યે ધ્‍યાન આપો.

આવનારા દિવસોમાં રાજયમાં પીવાના પાણીની અને સિંચાઇના પાણી અંગે તંત્રી ઉભી થાય તેવા વરતારો દેખાય છે. આ પરિસ્‍થિતિને પહોંચી વળવા જરૂરી આયોજન કરો અને પ્રજા વચ્‍ચે રહેવાના પ્રયાસો કરો.

આગામી ડિસેમ્‍બરમાં નિર્ધારિત સમય પ્રમાણે ચૂંટણી આવી રહી છે. સમય સંજોગો સારા દેખાશે તો ચુંટણીઓ વહેલી પણ આવશે તેમ કહી આડકતરો ઇશારો કર્યો હતો. મંત્રીઓને ખખડાવ્‍યા તેની વિગતો સચિવાલય સંકુલમાં ભારે ચર્ચાનો વિષય બન્‍યો છે.

રાજયમંત્રી મંડળમાં વડાપ્રધાનની આ મુલાકાત પછી એક ચોક્કસ પ્રકારનો સોપો પડી જવા પામ્‍યો છે. મંત્રીઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. મંત્રીમંડળમાં મંત્રીઓનો આ ફફડાટ સ્‍પષ્‍ટ જોવા મળી રહ્યો છે.

વર્તમાન મંત્રી મંડળના એક મંત્રીની વિધાનસભા બજેટ સત્ર દરમ્‍યાન મહિલા સાથેના સંબંધોની વાત આવતા આ મંત્રી છેલ્લા ઘણા સમયથી અવિપ્ત થયા હોય તેમ દેખાય છે. આ વાત પણ વડાપ્રધાન સુધી પહોંચી છે.

બીજી તરફ વર્તમાન મંત્રીમંડળની વહીવટી પ્રતિષ્‍ઠાનું દિવસે અને દિવસે ધોવાણ થતુ હોય તેવી રાજકીટ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક સિનિયર અધિકારીઓ વર્તમાન મંત્રીમંડળના મંત્રીઓની સૂચનાઓનું પાલન પણ નથી કરતા તેવી બાબતો પણ ચર્ચાનો મુદ્દો બની છે.

વર્તમાન આ તમામ મુદ્દાઓ પરની વિસ્‍તૃત વિગતો વડાપ્રધાન શ્રી પાસે પહોંચી છે અને આ મુદ્દાઓને ધ્‍યાને લઇ વડાપ્રધાને રાજયમંત્રી મંડળના કેટલાક મંત્રીશ્રીઓને કડક ભાષામાં ખખડાવ્‍યા હોય તેવા સ્‍પષ્‍ટ નિર્દેશો મળી રહ્યા છે.

હવે વડાપ્રધાનની આ કડક તાકીદની અસરો કેવી થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આ કડક તાકિદની અસરોનું પરિણામ શું આવે છે તે પણ જોવાનું રહે છે.

(1:23 pm IST)