Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

અંબાજી નજીક સુરમાતા પહાડી વિસ્‍તારમાં આદિવાસી પરિવારના ઝુપડામાં આગ લાગતા 4 મહિનાની બાળા અને ગાયનું વાછરડુ ભડથુ

પરિવારોનો માલ-સામાન પણ ભસ્‍મીભુત થઇ ગયો

અંબાજી: અંબાજી નજીક જેતવાસના સુરમાતા પહાડી વિસ્તારમાં આવેલ આદિવાસી પરિવારના ઝુંપડામાં રવિવારે અચાનક આગ લાગતાં ઘરમાં રહેલ ચાર માસની બાળકી બળીને ભડથું થઇ ગઇ હતી. આ ઉપરાંત ગાયનું વાછરડું અને ઘરવખરી પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.

આગમાં ચાર માસની બાળકી બળીને ભડથું

અંબાજીના જેતવાસ ગામના સુરમાતા પહાડી વિસ્તારમાં રહેતા જોરાભાઇ નાનાભાઇ ખરાડી અને તેમના પત્ની મેવલીબેન આજુબાજુ કામ અર્થે ગયા હતા. ત્યારે રવિવારે ઝુંપડામાં અચાનક આગ લાગી હતી. ત્યારે આજુબાજુથી પરિવાર આવે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઝુંપડામાં રહેલ ચાર માસની બાળકી આગમાં લપેટાઇ જતાં ભડથું થઇ ગઇ હતી. જ્યારે આ આગમાં ગાયનું વાછરડું અને ઘરવખરીને બળીને પણ ખાખ થઇ ગયા હતા.

આ ઘટનાને લઇ આજુબાજુથી આદિવાસી પરિવારો દોડી આવ્યા હતા પરંતુ ત્યાર સુધી તો ઝુંપડી બળીને ખાખ થઇ ગયું હતું. અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના ડો. લલીતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આગમાં બાળકીનો મૃતદેહ એક દમ બળી ગયો હતો. જેનું હોસ્પિટલમાં પીએમ કરાયું છે.

(5:45 pm IST)