Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં 8 વર્ષમાં 1864 શ્રમિકોના મોત: ડો,મનીષ દોશી

ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલી હાઇ-બોન્ડ સિમેન્ટની ફેકટરી દુર્ઘટનામાં ત્રણ જેટલા શ્રમિક યુવાનોના મોત

અમદાવાદ :ગુજરાતમાં ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે 8 વર્ષમાં 1864 શ્રમિકોના મોત થયા, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ  આક્ષેપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે માનવ જીંદગીને જોખમમાં મુકતા ઔદ્યોગિક-કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર કેમ ભીનુ સંકેલે છે? ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી ફિક્સ કરીને સખત પગલા ભરવાની તેઓ કોંગ્રેસ તરફથી માગ કરી રહ્યા છે.

રાજ્યમાં 31,500 ફેક્ટરીઓમાં 16.93 લાખ શ્રમિકો કામ કરે છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોની અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે, તેમણે કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. ગુજરાત સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૩૬૮ શ્રમિકો, અમદાવાદમાં ૨૫૬ શ્રમિકો, ભરૂચમાં ૨૪૪ શ્રમિકો, વલસાડમાં ૧૮૫ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૮૧૧ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૬૪ જેટલા શ્રમિકોએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં માત્ર કહેવા પૂરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ – ભ્રષ્ટાચારની નીતિ રીતિ ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે. ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને કારણે ગુજરાતમાં વર્ષ 2014-16માં 687 જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 4,019 જેટલા શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 322 જેટલા અકસ્માતોમાં 421 જેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્‍યા બાદ પણ હરકતમાં આવતા નથી અને બે-ચાર દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે ફરીથી તંત્ર હપ્‍તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિર્દોષ શ્રમિકો જાન ગુમાવે ત્‍યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખની સહાય આપીને સંતોષ માને છે.

ગુજરાતમાં અનેક ઔદ્યોગિક-કેમિકલ કં૫નીઓમાં ફાયર અને અન્‍ય સેફટીની પૂરતી સુવિધાઓ નથી. ગેરકાયદેસર ચાલતા આવા ઔદ્યોગિક જોખમી એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર ભીનુ સંકેલી રહી છે. ત્યારે જેતપુર નેશનલ હાઇવે સિમેન્ટની ફેકટરીમાં સહિતની ફેક્ટરીઓમાં દુર્ઘટના-ગમખ્વાર અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી ફિક્સ કરીને સત્વરે સખત પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માગ કરે છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં નિયમિત પણે ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયા થાય અને શ્રમિકો માટે સલામતી માટેના પુરતા સાધનો પુરા પાડવામાં આવે જેથી શ્રમિકોને દુર્ઘટનાઓ જીવ ગુમાવવો ન પડે.

(8:42 pm IST)