Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

બાળકોએ સેવેલા ર્ડાકટર, ઇજનેર, શિક્ષક કે આઇ.એ.એસ બનવાના સ્વપ્નને સાકાર કરવાની દિશા અને પાંખ આપવાનું કામ શિક્ષકો કરે છે:શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

સમગ્ર રાજયના ૩૨૫૦ વિધા સહાયકોને પૂરા પગારી હુકમ વિતરણ કરવાનો સમારોહ ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો

અમદાવાદ :સમગ્ર રાજયના ૩૨૫૦ વિધા સહાયકોને પૂરા પગારી હુકમ વિતરણ કરવાનો સમારોહ આજરોજ ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજયના ૨૮ જિલ્લામાં યોજાયેલ હુકમ વિતરણ સમારંભનો આરંભ ગાંધીનગર ખાતે યોજાયેલ સમારંભમાં સાત જેટલા વિધા સહાયકોને નિમણૂંક પત્રો આપીને રાજયના શિક્ષણ મંત્રીએ કરાવ્યો હતો.
ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી બી.એ.પી.એસ. બોયઝ સ્કુલ યોજાયેલ સમારંભનો આરંભ દીપ પ્રાગટયથી કરીને રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવું મનુષ્ય જીવન માટે વરદાન રૂપ ઘટના છે. બાળકોએ સેવેલા ર્ડાકટર, ઇજનેર, શિક્ષક કે આઇ.એ.એસ બનવાના સ્વપ્નને સાકાર કરવાની દિશા અને પાંખ આપવાનું કામ  શિક્ષકો  કરે છે. દરેક શિક્ષકને શિક્ષક હોવાનો ગૌરવ હોવો જોઇએ, તેવું કહી તેમણે ઉમેર્યું હતું, દેશના સુર્વણ ભવિષ્ય ઘડવાનું અને આર્દશ સમાજનું નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે.
તેમણે આજે પૂરા પગારી હુકમ મેળવનાર સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આજે રાજયમાં શિક્ષણ માટેની જાગૃત્તિ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભ કરેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ કાર્યક્રમો થકી આવી છે. શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ લાવવાનો છે.
૧૯૯૫ પહેલા ન હતું થયું, તેટલું કામ શિક્ષણ ક્ષેત્રે ૧૯૯૫ પછી આ સરકારના શાસનમાં થયું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં શિક્ષણની ભરતી પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. આ સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. એટલે શાળાઓની ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી રહી છે.તેમજ શિક્ષણ – શિક્ષકો સંબંધિત કોઇપણ પ્રશ્નને ઉકેલવામાં આ સરકાર હમેંશા કટિબધ્ધ છે.  
પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોષીએ જણાવ્યું હતું કે, દેશના સભ્ય નાગરિક ઘડતર કરવાનું અને બાળકમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતું બાળક માતા- પિતા કરતા તેના શિક્ષકની વાત ઝડપીથી માને છે, તેને અનુસરે પણ છે. સરકારી શાળામાં આવતાં બાળકના વાલી- શિક્ષક તરીકેની ભૂમિકા પણ શિક્ષકોએ જ અદા કરવાની છે. તેમજ દેશની ભાવિપેઢી ઘડતર કરવાનું કામ શિક્ષકોને મળેલ છે.
રાયસણ બી.એ.પી.એસ. સ્કુલ ખાતે યોજાયેલ સમારંભમાં મંત્રી જીતુભાઇ વાઘાણી અને મહાનુભાવોના હસ્તે ગાંધીનગર જિલ્લાના ૫૯, અમદાવાદ શહેરના ૯૭, અમદાવાદ ગ્રામ્યના ૪૧, સાબરકાંઠા જિલ્લાના ૧૫, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના એક – એક મળી કુલ- ૨૧૪ વિધાસહાયકોને પુરા પગારી હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઇ મકવાણા, ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઇ પટેલ સહિત વિવિધ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેનઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:03 pm IST)