Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

નડિયાદમાં ડેરીફાર્મની આડમાં કતલખાને મોકલાતા પશુઓની હેરફેરનું રેકેટ ઝડપાયું

ખેડા એલસીબી દ્વારા ટ્રકને ઉભી રાખી પૂછપરછ કરતા પશુઓ ટ્રકમાં ભરીને અન્ય રાજ્યોમાં કતલખાને લઇ જવાતા હોવાની ટ્રકના ચાલકની કબૂલાત

ખેડા એલસીબીએ ડેરીફાર્મની આડમાં કતલખાને મોકલવામાં આવતા પશુઓની હેરફેરનું રેકેટ ઝડપી પાડ્યું છે. કઈ રીતે ચલાવવામાં આવતું હતું રેકેટ અને કઈ રીતે દેશની મેટ્રોસિટીઓમાં પશુઓ મોકલવામાં આવતા હતા

છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પશુઓને અન્ય રાજ્યોમાં કતલખાને મોકલવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની ખેડા પોલીસને બાતમી મળતા ખેડા એલસીબી દ્વારા રાત્રીના સમયે હાઇવે, એકસપ્રેસ હાઇવે, અને સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગત રાત્રીએ ખેડા એલસીબીને બાતમી મળી હતી કે ડાકોર સલૂણ રોડ પર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસો અને પાડાઓ ભરીને લઇ જવામાં આવી રહ્યાં છે. જેથી ખેડા એલસીબીને ટ્રકની જે ઓળખ મળી હતી તેનો પીછો કર્યો હતો. અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સૂંઢા ગામની સીમમાં ટ્રકને રોકવામાં આવી હતી.

ખેડા એલસીબી દ્વારા ટ્રકને ઉભી રાખી પૂછપરછ કરતા પશુઓ ટ્રકમાં ભરીને અન્ય રાજ્યોમાં કતલખાને લઇ જવામાં આવી રહ્યાં હોવાની કબૂલાત ટ્રકના ચાલકે કરી હતી. તથા આ પશુઓ નડિયાદમાંથી ખરીદી કર્યા હોવાની વાત કરતા ખેડા એલસીબીએ નડિયાદમાં તપાસ હાથ ધરતા ચોકી ગઈ હતી. કારણ કે જે જગ્યાએ પશુઓ વેચવામાં આવ્યા હતા. ત્યાંનો માલિક યાકુબ સુલેમાન ગરબડ રહેવાસી- બારકોસિયા રોડ, ડેરીફાર્મનો ઉદ્યોગ ચલાવતો હતો. અને જે પશુઓ દૂધ આપવાનું બંધ કરે તેને દિલ્હી, મુંબઈ અને અન્ય મેટ્રોસિટીમાં મોકલી આપતા હતા. અને બાદમાં કતલખાને મોકલી ઊંચી કિંમતે માંસ વેચવાના આવતું હતું.

ખેડા એલસીબીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ 12 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઘી પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)