Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

મોંઘવારીની ઈફેક્ટ !! :હવે રાંધણ ગેસના સિલિન્ડરની ચોરીના બનાવ વધ્યા :સુરતનો આશ્ચર્ય પમાડતો કિસ્સો

છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાં 25 સિલિન્ડરની ચોરી: 1500 રૂપિયામાં સિલિન્ડર વેચી દેતા 15 સિલિન્ડર કબ્જે કરાયા: સરથાણા પોલીસે પાંચ ગુનાના ભેદ ઉકેલયા

સુરત : મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે સામાન્ય વ્યક્તિને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવાના પણ ફાંફા પડી ગયા છે. કપરી આ પરિસ્થિતિ વચ્ચે હવે ગેસ સીલીન્ડરની ચોરીના બનાવો પણ વધી ગયા છે. છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી પંથકમાં 25 સીલીન્ડરની ચોરી કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતના સરથાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સીલીન્ડર ચોરીના બનાવો વધી ગયા હતા. યોગીચોક સહિતના વિસ્તારોમાંથી સીલીન્ડર ચોરીની ફરિયાદ ઉઠી હતી. જેને લઈને પોલીસે આ મામલે વોચ ગોઠવી સીલીન્ડર ચોરને પકડી પાડ્યો હતો. સરથાણા પોલીસે સંજય માણીયા નામના ઇસમની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા તેણે છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી વિસ્તારમાંથી 20 થી 25 સીલીન્ડરની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ સીલીન્ડર તે સાવલિયા સર્કલ પાસે એક વ્યક્તિને ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયામાં વેચી દેતો હતો. સરથાણા પોલીસે તેની પાસેથી 15 સીલીન્ડર પણ કબજે કર્યા છે. આ સાથે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા 5 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મોંઘવારી આસમાને પહોચી છે. એક તરફ કોરોનાની મહામારીથી બહાર નીકળ્યા બાદ લોકોના ધંધા રોજગાર માંડ માંડ પાટે ચડ્યા હતા ત્યાં હવે સામાન્ય લોકોને હવે મોંઘવારી મારી રહી છે. અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ બધા વચ્ચે હવે સુરતમાં ગેસ સીલીન્ડરની ચોરીની ઘટનાઓ સામે આવતા ચર્ચાનો મુદો બન્યો છે. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:08 am IST)