Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

બાઈક ધીમે ચલાવવા જેવી બાબતમાં થયેલા ઝઘડામાં ત્રણ યુવકોએ એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છેઃહવે બતાવ તારી તાકાત, તારા કોઈ માણસો હોય તો બોલાવી લે, તને આજે કોણ બચાવશે તેવું કહીને ત્રણેય જણાએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો

અમદાવાદ, તા.૨૫

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતો લવ તોમર નામનો યુવક ૨૪મી એપ્રિલના સાડા ચારેક વાગ્યાની આસપાસ એક્સેસ લઈને વિક્રમ પાર્ક ચાર રસ્તાથી તેના ઘરે જતો હતો. આ દરમિયાન કેવડાજીની ચાલીના નાકા પાસે રોહિત નામનો યુવક એક્સેસ લઇને સામેથી આવ્યો હતો. તેની સાથે પલ્સર બાઇક પર તેના બે મિત્રો પણ હતાં. જેમની સાથે લવને બાઇક ધીમે ચલાવવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો, જેથી રોહિતે તેને બીભત્સ ગાળો બોલીને તું હાલ જતો રહે હું તને સાંજના જોઈ લઈશ, તેમ કહીને ધક્કો મારતા લવ ત્યાંથી નીકળી ગયો હતો.

ત્યારબાદ સાંજના સમયે આઠેક વાગ્યાની આસપાસ લવ તેના ઘરેથી મેડીકલમાં દુખાવાની દવા લેવા માટે ગયો હતો, ત્યારે તેના મમ્મીએ તેને ફોન કરીને કહ્યું હતું કે, ત્રણ છોકરાઓ આવ્યા હતાં, જે તારા વિશે પૂછતા હતાં. જેથી લવ તાત્કાલિક ઘરે જતો હતો તે દરમિયાન તેના ઘરની નજીક રોહિત ઝંડાવાળો અને અન્ય તેના બે મિત્રોએ તેને રોકીને બીભત્સ ગાળો બોલીને ઝઘડો કરતા કહ્યું કે, હવે બતાવ તારી તાકાત, તારા કોઈ માણસો હોય તો બોલાવી લે, તને આજે કોણ બચાવશે તેવું કહીને ત્રણેય જણાએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે લવનો ભાઈ કુશ ત્યાં આવી જતાં તે વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ માર માર્યો હતો અને રોહિતે તેની પાસે રહેલ ચાકું કાઢીને છાતીના ભાગે મારી દીધું હતું. ચપ્પું લાગતાની સાથે જ, કુશ લોહી લુહાણ થઈ ગયો હતો અને બુમાબુમ થતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બાદ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ કુશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતો અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૃ કરી હતી. જેમાં પોલીસે રોહિત નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

(9:21 pm IST)