Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ગુજરાતમાં મે મહિનામાં કેવા ફેરફારો આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા

અંબાલાલ પટેલની આંધી-વંટોળની આગાહીઃગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ આગામી દિવસોમાં જોવાઈ રહી છે

અમદાવાદ, તા.૨૫

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં દેહ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરીને વધુ કેવા ફેરફારો આવી શકે છે તે અંગેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદી માહોલ ઉભો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તારીખ ૨૬થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ છે. આ પછી તારીખ ૨૭ અને ૨૮ દરમિયાન વાદળવાયું આવવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ આગામી દિવસોમાં જોવાઈ રહી છે તેવું અંબાલાલ પટેલ જણાવે છે.

અંબાલાલ પટેલ કહે છે કે, નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે, આવામાં ૨૮ અને ૨૯ તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ૪૩થી ૪૪ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં ૪૧ ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.

એપ્રિલના અંતમાં ગરમીનો આકરો રાઉન્ડ આવવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય મે મહિનામાં દેશમાં પ્રીમોન્સુન એક્ટિવિટીની શરુઆત થશે. ૧૦-૧૪ મેમાં આંધી-વંટોળ અને ભારે પવન સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે.

અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ૪૦ને પાર જવાની સંભાવનાઓ તેઓ વ્યક્ત કરે છે. તારીખ ૨૬થી ૨૮ એપ્રિલ દરમિયાન કચ્છના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ક્યાંક વરસાદી ઝાંટા પણ થઈ શકે છે.

(9:34 pm IST)