Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

બારડોલીના મગરોલીયા ગામના 102 વર્ષના વૃદ્ધ વાલીબેને પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

- પોસ્ટલ બેલેટથી મતદાન કરીને સૌને મહત્તમ મતદાન કરવાનો સંદેશો આપ્યો

બારડોલી :લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર 85 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધજનો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઉભી કરાઈ છે.

આજે બારડોલી સંસદીય મત વિસ્તારમાં આવેલા બારડોલી તાલુકાના મગરોલીયા ગામના 102 વર્ષના વાલીબેન કેશવભાઈ પટેલે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને સૌને મહત્તમ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. 

વાલીબેનના 74 વર્ષના પુત્ર ગોવિદભાઈ પટેલ કહે છે કે, મારી માતા દર ચૂંટણીમાં અચુક મતદાન કરે છે. છેલ્લા છ મહિનાથી થોડા અશકત થયા છે. આજે ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી ઘર બેઠા મતદાન કરાવ્યું જે બદલ સૌનો આભાર માન્યો હતો. લોકશાહીના મહાપર્વમાં સૌને મતદાન કરવાની અપીલ કરી હતી.

તેઓ કહે છે કે, અમારો પરિવાર પહેલેથી જ ખેતીકામ સાથે સંકળાયેલો છે. મારી માતા વર્ષોથી વહેલા ઉઠીને પ્રભુભજન, પશુપાલન, ખેતીકામ કરતા તેમજ ઘરનું જ ભોજન લેતા જેથી હાલ પણ તેઓ નિરોગી જીવન જીવી રહ્યા છે. હું અને મારી પત્ની લતાબેન મારી માતાની સેવા માટે અહીં વતનમાં જ રહીએ છીએ, જ્યારે અમારા પુત્ર તથા ભાઈઓ અમેરિકામાં સ્થાયી થયા છે.

(9:55 pm IST)