Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જંત્રી દર અંગે ગેરમાર્ગે નહિ દોરી શકાય,ઓનલાઇન પ્રિન્ટની ૩ નકલ રાખવા આદેશ

નાયબ કલેકટર અને સબ રજીસ્ટ્રારે દરેક પાના પર પોતાના સહી-સિક્કા કરવા પડશે

રાજકોટ તા. રપ :.. રાજય સરકારે દસ્તાવેજ નોંધણી વખતે જંત્રી નકકી કરવાની બાબતમાં સંભવિત 'ગરબડ' નિવારવા નવી જોગવાઇ કરી છે. ર૦૧૧ ની જંત્રીની ઓનલાઇન પ્રિન્ટ કાઢી સબ રજીસ્ટ્રાર પાસે રાખવા માટે સ્ટેમ્પ ડયુટી અધિક્ષ શ્રી ડી. જી. પટેલએ ગઇકાલે પરિપત્ર બહાર પાડયો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત હાલમાં અમલી જંત્રી-ર૦૧૧ સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૩૧-૩-ર૦૧૧ અને તા. ૧૮-૪-ર૦૧૧ ના ઠરાવથી મંજૂર થયેલ છે.  સદર જંત્રીમાં  નિર્દિષ્ટ ભાવ મુજબ રજીસ્ટ્રાર અને નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરી દ્વારા સ્ટેમ્પ ડયુટીના હેતુ માટે બજાર કિંમત નકકી કરવામાં આવે છે.

સબ રજીસ્ટ્રાર અને નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાં છેકછાકવાળી, સહિ-સિકકા વગરની અને યોગ્ય રીતે અધિકૃત નહીં કરેલ જંત્રીની પ્રીન્ટ હોય તો તે અંગે ગેરમાર્ગે દોરતા બનાવો પણ બની શકે છે. તે ધ્યાને લઇ દરેક સબ રજીસ્ટ્રાર પાસે તેઓના ક્ષેત્રાધિકાર પુરતા વિસ્તારની જંત્રી ર૦૧૧ ની અધિકૃત નકલ હોવી જરૂરી છે. જેથી જાહેર જનતાને તેમના દસ્તાવેજ નોંધણી વખતે જંત્રી ભાવ અંગે કોઇ શંકાને સ્થાન ન રહે તે હેતુથી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

દરેક જીલ્લાના નોંધણી નિરીક્ષકશ્રીએ તેઓના જીલ્લાની હાલમાં અમલી જંત્રી ર૦૧૧ ની ઓનલાઇન ત્રણ નકલમાં પ્રીન્ટ કાઢવી. દરેક પેઇજ ઉપર નોંધણી નિરીક્ષકએ પોતાના નામ, હોદા અને તારીખ સાથેના સહી-સિકકા કરી તમામ પેઇજ ઉપર કચેરીનું રાઉન્ડ સીલ લગાવવું.

નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રએ પણ ઉપર મુજબ પોતાના નામ, હોદા અને તારીખ સાથેના સહિ-સિકકા કરી દરેક પેઇજ ઉપર નાયબ કલેકટર કચેરીનું રાઉન્ડ સીલ લગાવવું. જંત્રીમાં ભાવ સહેલાાઇથી જોઇ શકાય તેમજ પાના છૂટા ન કરી શકાય તે રીતનું મજબુત બાઇડીંગ કરાવવું. દરેક સબ રજીસ્ટ્રાર કચેરી વાઇઝ જંત્રીની બાઇડીંગ કરાવવાની બુકમાં ચાર્જની લેવડ-દેવડ માટે આગળના ભાગે પુરતાં કોરા પાના રાખવા. તેમજ હવે પછીના જંત્રીમાં સુધારા વધારા થાય તો તે ચોંટાડવા માટે પાછળના ભાગે પુરતાં કોરા પાના રાખવા. ઉપર મુજબ તૈયાર કરેલ જીલ્લાની જંત્રીની એક નકલ નોંધણી નિરીક્ષકશ્રીએ નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડયુટીને આપવાની રહેશે. એક નકલ નોંધણી નિરીક્ષકએ પોતાની પાસે રાખવાની રહેશે. અને સબ રજીસ્ટ્રારને તેઓના કાર્યક્ષેત્ર પુરતી ઉપર મુજબ તૈયાર કરેલ જંત્રીની નકલ આપવાની રહેશે.

તા. ૧-૮-ર૦ર૦ પછી કોઇપણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવી અધિકૃત કરેલ જંત્રીની નકલ સિવાય, ર૦૧૧ ની જંત્રીની કોઇ નકલ કે તેનો ભાગ રાખી શકાશે નહીં.

કોઇ સબ રજીસ્ટ્રારશ્રી દ્વારા જાહેર જનતાને જંત્રી ર૦૧૧ ના અમલી ભાવ કરતાં ખોટા ભાવ બતાવવામાં આવશે કે બજાર કિંમત નકકી કરવામાં ખોટા ભાવ લેવામાં આવશે તો તેને ગંભીર અનિયમિતતા ગણી સંબંધિત સબ રજીસ્ટ્રાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(11:46 am IST)