Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોંગ્રેસના ધરખમ ગજાના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સતત સુધારા : હવે માત્ર ૩૦% જ ઓકિસજન વેન્ટીલેટરથી અપાય છે

અમદાવાદ, તા. ૨૫ : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા તરફ છે. ભરતસિંહ સોલંકીને હવે માત્ર ૩૦ ટકા ઓક્સિજન વેન્ટિલેટર પરથી અપાઈ રહ્યો છે. કોરોના રિપોર્ટ નેગેટિવ થયા બાદ ફેફસાની સારવાર ચાલી રહી છે. વેન્ટિલેટરના કલાકો ધીરે ધીરે ઘટાડવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકીના અન્ય તમામ રિપોર્ટ સામાન્ય આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩૪ દિવસથી ભરતસિંહ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ભરતસિંહ સોલંકી ગત મહિને યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેક્શન પૂરું થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ૨૧ જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ કથળતા તેઓનો અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સિમ્સમાં તેઓ સતત મોનિટરિંગ હેઠળ છે.

સિમ્સ હોસ્પિટલ દ્વારા સતત તેમના હેલ્થના અપડેટ આપવામાં આવ્યા હતા. તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, ૯૦ ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઈ રહ્યું હતું. બાદમાં ધીરે ધીરે તેમનું ઓક્સિજન આપવાનું પ્રમાણ ઘટાડાયું હતું.

(7:37 pm IST)