Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ગાંધીનગર:સે-21સહીત સે-30માં પોલીસે પાંચ જુગારીઓને ઝડપી 1.3 લાખનો મુદામાલ કબ્જે કર્યો

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણમાં જુગારની મોસમ ખીલી ઉઠી છે ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા દોડી રહી છે ત્યારે ગાંધીનગરમાં સે-ર૧ પોલીસે સે-૩૦ જીટીએસ પાસેથી ચાર જુગારી અને સે-૭ પોલીસે સે-૩ની દુકાનમાંથી પાંચ જુગારી તો ચિલોડા પોલીસે મહુન્દ્રા ગામની સીમમાંથી પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧.૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જિલ્લામાં દર વર્ષે શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં જુગારની આ બદીને અટકાવવા માટે પોલીસ પણ દોડી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં બાતમીદારોને સક્રિય કરી જુગારની બાજી બેઠેલા આવા જુગારીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૩/ડીમાં સંસ્કૃત ફલેટની નીચે સન્ની દુલ્હન કોસ્મેટીક નામની દુકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહયા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સે-ર૮માં બ્લોક નં.પ૪પ/૧ ખાતે રહેતા મનીષ દેવજીભાઈ શ્રીમાળી, બ્લોક નં.૧૪/ર છ-ટાઈપ સે-ર૮ ખાતે રહેતા મનોજકુમાર જયંતિભાઈ સતરાલ, હિતેશ વસંતભાઈ પરમાર રહે.૧૦/૧૦ છ-ટાઈપ સે-ર૮, રમેશચંદ્ર પુરસોતમદાસ બ્રહ્મભટ્ટ રહે.ર૬/૧, સેકટર-૩/એ અને સંજયભાઈ વિષ્ણુભાઈ વળવી રહે.૬૧/૯, જ-ટાઈપ સે-ર૮ને જુગાર રમતાં ઝડપી પાડી તેમની પાસેથી ૪૧ હજારની રોકડ, મોબાઈલ મળી ૬૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી બાજુ સે-ર૧ પોલીસે સે-૩૦ જીટીએસ પાસે દરોડો પાડીને મહેશભાઈ ભીખાભાઈ ભંગી રહે.જીટીએસ છાપરા, મયુર મનુભાઈ ચૌધરી રહે.મકાન નં.ર૦૩, સ્વામીનારાયણપાર્ક નરોડા, પાર્થ વિષ્ણુભાઈ પરમાર રહે.પરમારવાસ, વેડા માણસા અને લાલાજી મણાજી ઠાકોર રહે.એંધાજીનું પરૂ, મોટી આદરજને જુગાર રમતાં ઝડપી પાડી ૧૦૩૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ચિલોડા પોલીસે પણ બાતમીના આધારે મહુન્દ્રા ગામની સીમમાં દરોડો પાડીને ઈસનપુર મોટાના હાર્દિક રામાભાઈ પટેલ, જીતુભાઈ પશાભાઈ પટેલ, પ્રિતેશ ભરતભાઈ પટેલ, રોનક જીતુભાઈ પટેલ અને આશિષ ભરતભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડી ર૬૧૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણેય જુગારમાં પોલીસે ૧.૩ લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

(5:32 pm IST)