Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ચેમ્બરની ચૂંટણી રદ કરાવવા ઉમેદવારો આર્બિટ્રેશનમાં જશે

ચેમ્બરની સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજવા મંજૂરી મળી છે : કોરોના મહામારીમાં ચૂંટણી યોજવી જોખમી હોવાનું જણાવી કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કર્યો

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની ચૂંટણી પાંચમી સપ્ટેમ્બરે યોજવા માટે અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ  કેટલાક ઉમેદવારો ચૂંટણી રદ કરાવવા માટે આર્બિટ્રેશનમાં જવાની વિચારણા કરી રહ્યા છે. કોવિડ-૧૯ના કેસો સતત વધી રહ્યા છે અને રાજ્યના અનેક શહેરોમાં વેપાર-ઉદ્યોગ સ્વયંભુ બંધ રહે છે ત્યારે ચેમ્બરની ચૂંટણી યોજવી અયોગ્ય હોવાના તર્ક સાથે તેઓ આર્બિટ્રેશનમાં જશે. ચેમ્બરની ચૂંટણીના ઉમેદવાર સીએ કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, "કોવિડ-૧૯ની પ્રવર્તમાન જોગવાઇઓથી અલગ જોગવાઇ હશે તો ચેમ્બરની ચૂંટણી આપોઆપ રદ થશે તેવી શરત જિલ્લા કલેક્ટર કચેરીની મંજૂરીમાં પણ રાખવામાં આવી છે.

            ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યના અનેક શહેરો અને તાલુકાઓમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે અને મર્યાદિત કલાકો માટે દુકાનો ખુલ્લી રાખે છે તેનાથી સ્પષ્ટ છે કે કોરોનાનો ડર ઘણો વધ્યો છે. ચેમ્બરની ચૂંટણી યોજાય તો પણ રાજ્યના જુદા-જુદા જિલ્લાના મતદારો માટે મતદાન કરવું મુશ્કેલ રહેશે અને બહારગામના મતદારો મતદાનથી વંચિત રહે તેવી પણ આશંકા છે. જોકે, સ્થિતિમાં પણ ચેમ્બરના કર્તાહર્તાઓ કોઇપણ સંજોગોમાં ચૂંટણી યોજવા માટે મક્કમ છે તેનાથી એવી છાપ ઊભી થશે કે ગુજરાત ચેમ્બરને અમદાવાદ પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે  ઘણા ઉમેદવારો આર્બિટ્રેશન માટે ટેકો આપી રહ્યા છે અને એક-બે દિવસમાં ચેમ્બરમાં તેના માટેની અરજી આપવામાં આવશે. ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં માટેની વિગતવાર અરજી કાયદાકીય સલાહ મુજબ તૈયાર થઇ રહી છે અને અમે રજૂઆત કરીશું કે કોવિડ-૧૯ જેવી મહામારી દરમિયાન પણ ચેમ્બરની ચૂંટણી માટે જીદ રાખવી ગંભીર સાબિત થઇ શકે છે તેથી ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધવું જોઇએ નહીં.

ચેમ્બરની છબિ ખરડાશે તો યુવાનો સંસ્થાથી દૂર રહેશે તેવી ભીતિ

 રાજ્યના વેપાર-ઉદ્યોગ જગતની સર્વોચ્ચ સંસ્થા જીસીસીઆઇમાં ચૂંટણીના વાતાવરણમાં જે આક્ષેપો થઇ રહ્યા છે તેના કારણે ચેમ્બરની છબિ ખરડાઇ છે અને ઉમેદવારોએ સંસ્થા સામે આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઇએ એમ એક સિનિયર સભ્યે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકોના મનમાં એવી છાપ પડી રહી છે કે ચેમ્બર વિવાદોમાં ઘેરાયેલી છે અને તેની સાથે સંકળાઇને અનિચ્છાએ પણ વિવાદોમાં ઘસડાવું પડી શકે છે. આથી ચૂંટણીના સમયે પણ સંસ્થાની ગરિમા જાળવવાની સજ્જતા સભ્યોએ કેળવવી જોઇએ એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

(7:47 pm IST)